માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૭ નવેમ્બર
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે આત્મા પ્રોજેક્ટ વલસાડ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં કપરાડા અને ધરમપુર તાલુકાના ૮૫૦ થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન પ્રભુભાઈ માહલા તેમજ ઉપપ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને વિભાગના અધિકારીઓ અને પશુપાલન ખાતાના અધિકારીઓ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી એન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત કેમ છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કમલેશભાઈ પટેલ દ્વારા રોગ જીવાત નિયંત્રણ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સુરતથી ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન કેયુરભાઈ પટેલે હાજર રહી ફૂડ પ્રોસેસિંગ અંગેની સરકારી યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય તે વિશે માહિતી આપી હતી. આ કૃષિ પરિસંવાદ દરમિયાન કપરાડા તાલુકાના ખેડૂત રઘુનાથભાઈ ભોયા અને કિશનભાઇ ધૂમ દ્વારા પોતાના અનુભવોની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકટર વિમલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.