વિસનગર-આણંદ ઓર્ડિનરી એસ.ટી. બસમાં ગાંધીનગરથી અમદાવાદ, નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજ્યપાલ
વિસનગર-આણંદ ઓર્ડિનરી એસ.ટી. બસમાં ગાંધીનગરથી અમદાવાદ, નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજ્યપાલ
તાહિર મેમણ- આણંદ- 25/05/2025 – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખીને એક પ્રેરણાદાયક પહેલ રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની એસ.ટી. બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરીને આણંદ પહોંચ્યા હતા.
આ મુસાફરી માટે રાજ્યપાલએ ઑનલાઇન એડવાન્સ બુકિંગ દ્વારા નોન-એસી સુપર ડિલક્સ શ્રેણીની એસ.ટી. બસમાં ત્રણ ટિકિટ બુક કરાવી હતી. આ બસ વિસનગરથી આણંદ સુધીની GJ-18 ZT-0519 નંબરની ઓર્ડિનરી બસ સેવા હતી.
રવિવાર સવારે 7:20 વાગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કોઈ પૂર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર એસ.ટી. ડેપો પહોંચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરો સાથે આ બસમાં બેઠા હતા. બસ નિર્ધારિત રૂટ અને સ્ટોપેજ મુજબ અમદાવાદના રાણીપ, ગીતામંદિર વગેરે થઈને આગળ વધતી રહી અને સવારે 10:15 વાગે રાજ્યપાલશ્રી આણંદ એસ.ટી. બસ સ્ટેશન પર ઉતર્યા હતા.
આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું કે, “બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ, નાનાં બાળકો, યુવાનો, વૃદ્ધો તમામ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. લોકો સરકાર તરફથી આપવામાં આવતી પરિવહન સુવિધાઓથી પ્રસન્ન છે. મુસાફરો સાથેની મારી મુસાફરીમાં મને આત્મિયતા અને આનંદનો અનુભવ થયો. મારા માટે પણ આ યાત્રા અત્યંત સુખદ અને યાદગાર રહી.”