
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૯ એપ્રિલ : આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. માન. રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત રાજ્યના મતદાતા જાગૃતિ કાર્યક્રમ (SVAP) અંતર્ગત, શ્રી આનંદ પટેલ, માન. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-કચ્છ, ભુજ તેમજ વિવેક બારહટ, નાયબ કલેકટર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી, કચ્છના માર્ગદર્શન અને પ્રેરણાથી “૨૬ એપ્રિલે તું વૉટ કર જે” નામનું એક મતદાતા જાગૃતિ ગીત (Jingle) તૈયાર કરવામાં આવ્યું છે.આ ગીતના શબ્દો, કમ્પોઝીશન, મ્યુઝિક અરેન્જમેન્ટ, વાદ્યવાદન, ઑડિયો રેકોર્ડિંગ અને વીડિયો મિક્સિંગ હિરેન આર. ગોસ્વામી, નાયબ મામલતદાર, મતદારયાદી, કલેક્ટર કચેરી-કચ્છ, ભુજ દ્વારા કરવામાં આવ્યા છે. આ ગીતમાં લીડ વોકાલિસ્ટ તરીકે નિરાલી કે. ગોસ્વામી અને પારસ કે. ગોસ્વામીએ પોતાનો સુમધુર સ્વર આપ્યો છે. આ ગીતમાં ટેક્નિકલ સહકાર વિપુલ આર. ગોસ્વામી, આચાર્ય, કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ, અંજાર અને નિશીથ મોદી દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે.ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે એક નવીન અભિગમ અપનાવીને, આ ગીતના વીડિયો જનરેશનમાં એ.આઈ. (AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજીનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ગીતનું સંગીત નિર્દેશન લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતના અદભુત મિશ્રણ સાથે કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદાતાઓને તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈને મહત્તમ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદાતાઓ ૨૬ એપ્રિલના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી મતદાન કરી શકશે.




