INTERNATIONAL

ચીનમાં વૃદ્ધે ટોળા પર ચઢાવી દીધી કાર 35ના મોત

ચીનના ઝુહાઈમાં એક 62 વર્ષીય વૃદ્ધે લોકોના ટોળા પર કાર ચઢાવી દીધી હતી. જેના કારણે 35 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 43 લોકો ઘાયલ થયા છે. ચીનની સરકારી ટેલિવિઝન સીસીટીવીએ મંગળવારે સાંજે ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર લોકોના ટોળામાં કાર ઘૂસી આવી હતી ત્યારે આ મોટી દુર્ઘટના બની હતી.
મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને અંજામ આપનાર શંકાસ્પદ 62 વર્ષીય છૂટાછેડા લીધેલ વ્યક્તિ હતો. ત્યાં ફરતા લોકોની ભીડમાં તેની કાર લઈને ઘૂસી ગયો હતો અને ટોળાને ટક્કર મારી હતી. ઘટના બાદ શંકાસ્પદ વ્યક્તિ ચાકુ દ્વારા પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે તરત પોલીસે તેને સ્થળ પર જ પકડી લીધો હતો.

આ અંગે ઝુહાઈ પોલીસ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર શંકાસ્પદ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ ઈરાદાપૂર્વકનો હુમલો હતો કે અકસ્માત હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચીનમાં બનેલી આ કાળજા કંપાવી દેનારી ઘટનાને કારણે રસ્તાઓ પર દૂર દૂર સુધી મૃતદેહો જોવા મળી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઘાયલ થયેલા ડઝનેક લોકો મદદ માટે ચીસો પાડતા જોવા મળી રહ્યા હતા. અન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. સ્થળ પર આવું કરુણ દ્રશ્ય જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા.

Back to top button
error: Content is protected !!