INTERNATIONAL

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઘટી રહેલા જન્મદર અંગે એલર્ટ કરવામાં આવ્યા

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઘટી રહેલા જન્મદર અંગે એલર્ટ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં જન્મદર હવે પ્રતિ કપલ 1.9 જ રહી ગયો છે, જે રિપ્લેસમેન્ટ લેવલ કરતા ઓછો છે. વસ્તી વિજ્ઞાનિકોનું માનવું છે કે, વસ્તીનું રિપ્લેસમેન્ટ લેવલ 2.1 છે, તેથી આવી સ્થિતિમાં પ્રજનન દર 1.9 પર રહેવો ચિંતાનો વિષય છે. ભલે ભારતની વસ્તી પર હાલમાં તેની સીધી અસર નથી દેખાતી, પરંતુ એક પેઢી પછી એટલે કે થોડા દાયકાઓ પછી ગંભીર ચિંતાની સ્થિતિ ઊભી થઈ શકે છે. હવે સવાલ એ છે કે જન્મદરમાં આ ઘટાડાનાં કારણો શું છે? સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં આ સવાલનો જવાબ પણ આપવામાં આવ્યો છે.

વિશ્વના 14 દેશોના સર્વેના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ઘટતા જન્મદર અંગે પણ લોકોને એક સવાલ પૂછવામાં આવ્યો કે, આખરે તમે જેટલા બાળકો પેદા કરવા માગો છો, તેનાથી ઓછા કેમ પેદા કરો છો અથવા તો પછી એક પણ બાળક કેમ પેદા નથી કરતા? આ સવાલના જે જવાબ લોકોએ આપ્યા છે, તેનાથી ઘણી વસ્તુઓ સ્પષ્ટ થાય છે અને લોકોની ચિંતા પણ સમજાય છે. ભારતની વાત કરીએ તો 13% લોકોએ કહ્યું કે, અમે વંધ્યત્વ અથવા ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાથી બાળકો પેદા નથી કરી શકતા. આ ઉપરાંત 14% લોકોએ કહ્યું કે, અમે પ્રેગનન્સી સાથે સંબંધિત મેડિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

બીજી તરફ 15% લોકો એવા છે જેમનું કહેવું છે કે, અમે ખરાબ સ્વાસ્થ્ય અથવા ગંભીર બીમારીના કારણે પેરેન્ટ નથી બનતા શકતા. એક ચિંતા આર્થિક પણ છે, જેના વિશે 38% લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ લોકોનું કહેવું છે કે, આર્થિક મુશ્કેલીઓને કારણે અમે પોતાના પરિવારનો વધુ વિસ્તારિત કરવા નથી માગતા. તેમને લાગે છે કે જો પરિવારનો વિસ્તાર ખૂબ વધારે થાય, તો બાળકોનો ઉછેર, શિક્ષણ, રહેઠાણ વગેરે જેવી બાબતો વ્યવસ્થિત રીતે નહીં થાય. બીજી તરફ 22% લોકોની ચિંતા રહેઠાણ સાથે સંબંધિત છે અને 21% લોકો રોજગારની તકોના અભાવે બાળકો પેદા કરવા નથી માગતા. રસપ્રદ વાત એ છે કે, આર્થિક ચિંતાઓને કારણે પરિવારનો વિસ્તાર કરવાનું ટાળનારા લોકોની સંખ્યા અમેરિકામાં પણ 38% જ છે.

Back to top button
error: Content is protected !!