INTERNATIONAL

રિંગમાં વાપસી કરે તે પહેલા જ વર્લ્ડ ચેમ્પિયન બોક્સરની ગોળી મારીને હત્યા

બોક્સિંગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર જોલાની ટેટે (Zolani Tete) ની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 38 વર્ષીય ટેટે પર આ જીવલેણ હુમલો ત્યારે થયો, જ્યારે તેઓ પોતાની કારમાં બેઠા હતા. આ ઘટનાથી સમગ્ર દક્ષિણ આફ્રિકા અને રમતગમત જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઇસ્ટર્ન કેપના મડાંતસાને વિસ્તારની છે. જોલાની ટેટે પોતાની કારથી ઘરે પહોંચ્યા હતા, અને ગેટ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે જ મોં પર નકાબ પહેરેલા બે સશસ્ત્ર બદમાશો તેમની કાર પાસે પહોંચ્યા હતા, અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીઓથી વિંધાઈ ગયેલા ટેટેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. કારમાં તેમની સાથે એક 27 વર્ષીય મહિલા પણ હાજર હતી, જે આ હુમલામાં ગંભીર રીતે ઘવાયી છે, અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હુમલાખોરો ગુનો આચરીને ફરાર થઈ ગયા છે, અને પોલીસે મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. બોક્સિંગ રિંગમાં પ્રેમથી ‘લાસ્ટ બોર્ન’ તરીકે ઓળખાતા જોલાની ટેટેની કારકિર્દી ઘણી શાનદાર રહી હતી. તેમણે વર્ષ 2007 થી 2008 સુધી WBF ફ્લાયવેટ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. તે પછી પણ તેમનો દબદબો કાયમ રહ્યો, અને તેમણે 2017 તથા 2019 માં WBO બેન્ટમવેટનો તાજ પણ પહેર્યો હતો.

ટેટેના નામે વર્લ્ડ ટાઇટલ ફાઇટના ઇતિહાસમાં સૌથી ઝડપી નોકઆઉટનો ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલો છે. વર્ષ 2017માં તેમણે એક મુકાબલામાં ઇતિહાસ રચતા પોતાના જ દેશના બોક્સર સિબોનિસો ગોન્યાને માત્ર 11 સેકન્ડમાં નોકઆઉટ કરી દીધો હતો.

જોકે, તેમની કારકિર્દીમાં એક ખરાબ તબક્કો પણ આવ્યો, જ્યારે વર્ષ 2022માં ડોપિંગના કારણે તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ 29 જુલાઈ 2026ના રોજ પૂર્ણ થયો હતો. ટેટે પોતાની સજા પૂરી કર્યા બાદ રિંગમાં ફરી એકવાર શાનદાર વાપસી કરવાની તૈયારીઓમાં જીવપરોવીને લાગેલા હતા. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું, અને વાપસી પહેલા જ તેમની હત્યા કરી દેવામાં આવી. દક્ષિણ આફ્રિકાના રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી ગેલટન મેકેન્જીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા, તેને દેશ માટે ખૂબ મોટી ખોટ ગણાવી છે.

Back to top button
error: Content is protected !!