ઇસરો હવે રોકેટ અને લોન્ચ વ્હિકલ બનાવવાનું કામ ખાનગી કંપનીઓને સોંપશે.

નવી દિલ્હી: અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતને અનેક સિદ્ધીઓ અપાવનારા ઇસરોમાં ધરખમ ફેરફારો થવા જઇ રહ્યા છે. અત્યાર સુધી સેટેલાઇટ, રોકેટ, લોન્ચ વ્હિકલ વગેરે તૈયાર કરવાની કામગીરી ઇસરો જ સંભાળતુ આવ્યું છે. જોકે હવે આ કામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે અને ઇસરો રોકેટ કે લોન્ચ વ્હિકલ બનાવવાના કામથી મૂક્ત થઇ જશે, જ્યારે માત્ર રિસર્ચના કામ પર જ ધ્યાન આપશે. આ ખુલાસો ઇસરો અને ખાનગી ક્ષેત્ર વચ્ચેની કામગીરી સંભાળનારી સરકારી એજન્સી ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએંકાએ કર્યો હતો.
૨૦૨૦માં કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત એજન્સી ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએંકાએ વધુમાં કહ્યું હતું કે રોકેટ, લોન્ચ વ્હિકલ વગેરે તૈયાર કરવાની કામગીરી હવે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવશે અને તેની કામગીરી હાલ શરૂ પણ કરી દેવામાં આવી છે. ઇસરો હવે રિસર્ચ, એડવાંસ ટેક્નોલોજી, વૈજ્ઞાાનિક મિશનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં અન્ય કંપનીઓને કામગીરી સોંપવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ અથવા તો એસએસએલવીની ટેક્નોલોજી અને પ્રોડક્શનના અધિકારો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ને સોંપી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં ભારતના સૌથી શક્તિશાળી રોકેટ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી) અને લોન્ચ વ્હિકલ માર્ક-૩ (એલવીએમ૩)ને પણ ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવશે. એટલુ જ નહીં ભવિષ્યમાં પબ્લિક સેક્ટર કંપની એટલે કે સરકારી કંપનીને રોકેટની ભવિષ્યની કોઇ કામગીરી સોંપવામાં નહીં આવે. ડો. પવનનો દાવો છે કે ઇસરો ઉત્પાદન નહીં રિસર્ચ પર ધ્યાન કેન્દ્રીત કરશે, નવી ટેક્નોલોજી વિકસાવશે, અમે અગાઉ જ ઇસરો પાસેથી ૧૨૦ ટેક્નોલોજી લઇને ખાનગી સેક્ટરને સોંપી દીધી છે. સરકાર નવા લોન્ચ સેન્ટરના સંચાલનની કામગીરી પણ ખાનગી ઇન્ડસ્ટ્રીને સોંપવાનું આયોજન કરી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા આગામી ચારથી પાંચ મહિનામાં અંતિમ સ્વરૂપ લઇ લેશે. ભારત માલિકી આધારિત કોમર્શિયલ મોડેલ તરફ આગળ વધી રહ્યું છે કે જ્યાં ખાનગી કંપનીઓ સેટેલાઇટની માલિક બનશે અને અંતરિક્ષમાં આ કંપનીઓની પોતાની સંપત્તિ હશે. સાથે જ ડેટા અને સર્વિસ પણ મોનેટાઇઝ કરશે.



