NATIONAL

સ્કૂલો અને ધાર્મિક સ્થળો નજીકની દારૂની 717 દુકાન બંધ કરવાનો આદેશ આપતા તમિલનાડુના મુખ્યમંત્રી વિજય

તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ જોસેફ વિજયે તેમના પ્રથમ મોટા વહીવટી નિર્ણયમાં રાજ્યમાં ચાલતી 717 સરકારી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દુકાનો આગામી બે અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે. હાલમાં રાજ્યમાં કુલ 4,765 દુકાનો કાર્યરત છે, જેમાંથી 276 ધાર્મિક સ્થળો પાસે, 186 શૈક્ષણિક સંસ્થાઓ પાસે અને 255 બસ સ્ટેન્ડ નજીક આવેલી છે. વિજયના આ પગલાને સામાજિક સુધારાની દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.

દારૂબંધીના નિર્ણય ઉપરાંત, મુખ્યમંત્રી વિજયે જનતા માટે અન્ય લોકકલ્યાણકારી જાહેરાતો પણ કરી છે. તેમણે ઘરેલુ વપરાશકારો માટે 200 યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે જ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે એક સ્પેશિયલ ફોર્સની રચના કરવાની અને દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી યુનિટ સ્થાપવાની પણ જાહેરાત કરી છે, જેથી રાજ્યમાં નશાના દૂષણને ડામી શકાય.

પોતાના પ્રથમ સંબોધનમાં વિજયે અગાઉની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમિલનાડુ હાલમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના દેવા હેઠળ દબાયેલું છે અને સરકારી તિજોરી ખાલી થઈ ગઈ છે. આ બાબતે તેમણે 2021થી 2026ના સમયગાળાની રાજ્યની આર્થિક સ્થિતિની વિગતો દર્શાવતું શ્વેતપત્ર બહાર પાડવાનો નિર્ણય લીધો છે. તેમણે કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી અને મહિલાઓની સુરક્ષા માટે મજબૂત પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 51 વર્ષીય અભિનેતા અને રાજનેતા જોસેફ વિજયની પાર્ટી ‘તમિલગા વે્ટ્રી કઝગમ’ (TVK)એ શાનદાર દેખાવ કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગના ટેકા સાથે તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમ વખત ગઠબંધન સરકારની રચના થઈ છે. હાલમાં વિધાનસભામાં TVK પાસે 107 બેઠકો છે અને કુલ 120 ધારાસભ્યોના સમર્થન સાથે વિજય ટૂંક સમયમાં ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.

Back to top button
error: Content is protected !!