SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગરના “રવિને” દિલ્હીના દંપતિએ દત્તક લીધો.

તા.13/04/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ત્રણ માસની વયે ત્યજી દેવાયેલા “રવિને” મળ્યો નવો પરિવાર

સ્પેશિયલ અડોપ્શન એજન્સી, સુરેન્દ્રનગર ખાતે ગઈકાલે સુંદર દ્રશ્યો સર્જાયા હતા પ્રસંગ હતો સાત માસના ભૂલકા રવિને માતા-પિતા અને ઘર મળવાનો. કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, પોલીસ અધિક્ષક હરેશ દૂધાત સહિત ઉપસ્થિત સૌ કોઈ ત્રણ માસની કૂમળી વયે ત્યજી દેવાયેલા આ માસુમને માતા-પિતાનો પ્રેમ અને ઘર મળશે તે વિચારીને આનંદિત હતા જોતા જ વ્હાલ ઉપજે તેવું આ બાળક ચારેક માસ પહેલા વડોદ-વસ્તરડી રોડ ઉપર આવેલ એક વાડીમાં કાપડની ઝોળીમાં ત્યજી દેવાયેલી અવસ્થામાં મળી આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકા આ અંગે વધુ વિગત આપવા જણાવે છે કે માતા-પિતાની તપાસ સહિત પોલીસની નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ બાળકને દેખભાળ અર્થે સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં સોંપવામાં આવ્યું હતું. બે મહિના સુધી બાળક માટે કોઈએ દાવો કે સંપર્ક ન કરતા તેને દત્તક આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો બીજી બાજુ દિલ્હીમાં રહેતા અતુલ મોહન ગુપ્તા અને સ્વાતિ બહેને પણ બાળક દત્તક લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બાળક દત્તક લેવા અંગે અતુલભાઇ જણાવે છે કે અમારે ૧૦ વર્ષની એક દીકરી છે. પરંતુ અમારા નજીકના એક સંબંધીએ બાળક દત્તક લીધું તે જોઈને અમને પણ બાળક દત્તક લેવાની પ્રેરણા મળી હતી. કોઈ બાળકને માતા-પિતાનો પ્રેમ અને ઉત્તમ જીવન આપવાની તક મળે એ ખુશીની વાત છે. રવિને મેળવી ખુશખુશાલ માતા સ્વાતિબેને જણાવ્યું હતું કે બાળકો તો ઈશ્વરની ભેટ છે. આ બાળકોને પરિવારનો પ્રેમ, હૂંફ અને સુંદર ભવિષ્ય મળે એ આપણા સૌની ફરજ બને છે. અતુલભાઇ આઇટી કંપનીમાં સપોર્ટ મેનેજર તરીકે સારા હોદ્દા ઉપર છે અને માતા સ્વાતીબેન ગૃહિણી છે. તેઓ જણાવે છે કે પરિવારમાં રવિના આગમનથી સૌ ખુશ છે. રવિને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને મોટા થઈ મનપસંદ કારકિર્દી ઘડવાની તક મળે તે માટે તેઓ જરૂરી વાતાવરણ અને સુવિધાઓ પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, ધી જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ અને એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તા.૧૨/૦૪/૨૦૨૩ના રોજ દંપતીને રવિ પૂર્વ દત્તક-પ્રિ એડોપ્શન ફોસ્ટર કેરમાં આપેલ છે.

*બાળક દત્તક લેવાની પ્રક્રિયા*

બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ જણાવે છે કે, બાળકોને સારું વાતાવરણ અને ઉછેર મળી રહે તે માટે બાળક દત્તક લેવા માટે અમુક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જે પૂર્ણ થતા હોય તો નિશ્ચિત પ્રક્રિયા બાદ બાળકને દત્તક લઈ શકાય છે. ભારતમાં બાળક દત્તક લેવાની પ્રક્રિયા CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી) દ્વારા કરવામાં આવે છે. તે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌપ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, પોલીસ ક્લીયરન્સ જેવા જરૂરી આધાર-પુરાવાઓ અપલોડ કરવાના રહે છે. ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી દત્તક લેવા સહિતના વિકલ્પ પણ આપવામાં આવે છે. સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટે કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ કરવાની હોય છે. દંપતી બાળક પસંદગી અંગે પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ દંપતિનું તમામ ડોક્યુમેન્ટ સાથેનું ફોર્મ તૈયાર થાય છે. ત્યારબાદ દંપતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેમજ તેમનો વિગતવાર હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. હોમ સ્ટડી રિપોર્ટમાં દત્તક લેનાર દંપતિ બાળકના સારા ઉછેર અને સુરક્ષિત ભવિષ્ય માટે જરૂરી વાતાવરણ પૂરું પાડવા સક્ષમ છે કે કેમ તે અંગેની બાબતો માટે વિગતવાર તપાસ કરી અહેવાલ તૈયાર કરવામાં આવે છે. એડોપ્શન કમિટી દ્વારા દત્તક લેવા ઇચ્છુક દંપતીનો ઇન્ટરવ્યુ અને હોમ વિઝીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે યોગ્યતા ધરાવતા દંપતીને લાયક દંપતિની કેટેગરીમાં મૂકવામાં આવે છે. વર્ષ ૨૦૨૨થી જિલ્લા મેજિસ્ટ્રેટને દત્તક આપવા અંગે જરૂરી આદેશ કરવાની સત્તા આપવામાં આવી છે. જેથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે. એટલું જ નહીં બાળક દત્તક આપ્યા બાદ દર છ મહિને બાળક અને માતા પિતાની મુલાકાત કરી યોગ્ય ઉછેર અને વાતાવરણ મળી રહ્યું છે કે કેમ તે અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. બે વર્ષ સુધી આ રીતે ફોલો અપ લેવામાં આવે છે. વધુ માહીતી આપતા બાળ સુરક્ષા અધિકારી જણાવે છે કે ઘણીવાર વિપરીત સંજોગોના કારણે માતા-પિતા બાળકને ત્યજી દેવા મજબૂર થતા હોય છે. પોતાની ઓળખ છતી થઈ જવાની બીકે તેઓ બાળકને અવાવરૂ નિર્જન જગ્યાઓએ ઝાડી, ઝાંખરાઓમાં મૂકીને જતા રહે છે. જેના કારણે બાળકને શારીરિક ઈજાઓ કે પશુઓના હુમલાઓનો ભોગ બનવું પડતું હોય છે. જેના પરિણામે ઘણીવાર બાળક મૃત્યુ પામતુ હોય છે કે વિકલાંગ બની જતું હોય છે. નિર્દોષ બાળકોને આનાથી બચાવવા માટે બાળ સુરક્ષા એકમ દ્વારા મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે અનામી પારણું મૂકવામાં આવ્યું છે. જ્યાં બાળકને ત્યજી દેવા ઈચ્છતા માતા-પિતા બાળકને મૂકી જઈ શકે છે. આવા કિસ્સામાં માતા, પિતાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત, ચિલ્ડ્રન હોમ, સુરેન્દ્રનગર ખાતે પણ માતા-પિતા વણજોઈતા બાળકને ત્યજી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી કુલ ૧૫ બાળકોને દત્તક આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!