કાલોલ ના વેજલપુર ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૬/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે તેમજ નાના અને સિમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વર્ષ ૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂત પરિવારોને પ્રતિ વર્ષ રૂપિયા ૬,૦૦૦/- ત્રણ સમાન હપ્તામાં સહાયરૂપે ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર (DBT)ના માઘ્યમથી ચુકવવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને દવા, ખાતર અને બિયારણની ખરીદી કરવા માટે મદદરૂપ થવા તથા આવક બમણી કરવા અને કૃષિક્ષેત્રને મજબુત બનાવવાનો છે.
જે અંતર્ગત યોજનાના ૦૬ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના કુલ ૨૦૧૩૮૪ લાભાર્થીઓને યોજનાના ૧૯ માં હપ્તાની રકમ વડાપ્રધાનના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ડીબીટી મારફતે સીધું જ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં ૨૦૧૩૮૪ ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ ઉપર નોંઘાયેલા છે તેઓને અત્યાર સુધી ૧૮ હપ્તા થકી રૂપિયા ૭૦૦૩૮ લાખ જેટલી રકમની સહાય ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર (DBT)ના માઘ્યમે આપવામાં આવી છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૧૯ માં હપ્તા પેટે પંચમહાલ જિલ્લાના ૨ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં અંદાજીત રૂપિયા ૪૦.૨૭ કરોડથી વધુની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જમાં કરાવવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકની ખેતીવાડી શાખા દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરીને માનવ આરોગ્ય અને પર્યાવરણને સુરક્ષિત રાખવામાં સહભાગી થતા ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત નિષ્ણાતો અને મહાનુભાવો દ્વારા જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને આત્મનિર્ભર બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો પરંપરાગત ખેત પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને પ્રેરિત અને માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી પ્રાકૃતિક ખેત પદ્ધતિ અને તેના આયામો વિશે માહિતી પ્રદાન કરતા વિવિધ સ્ટોલ કાર્યક્રમ સ્થળે ઊભા કરાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાના અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર આશિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.









