DAHODJHALOD

ઝાલોદના હડમતખૂંટામાં ચૂંટણી વેર:હારેલા ઉમેદવારના ટોળાનો મહિલાઓ પર જીવલેણ હુમલો, છેડતી અને લાખોની લૂંટના આક્ષેપથી ખળભળાટ

તા.૦૩.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

zalod:ઝાલોદના હડમતખૂંટામાં ચૂંટણી વેર:હારેલા ઉમેદવારના ટોળાનો મહિલાઓ પર જીવલેણ હુમલો, છેડતી અને લાખોની લૂંટના આક્ષેપથી ખળભળાટ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના હડમતખૂંટા ગામે વગેલા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ રાજકીય અદાવતમાં માનવતા લજવતી ઘટના સામે આવી છે. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર અને સ્થાનિક સરપંચના પુત્ર જિગ્નેશભાઈ સુભાષભાઈ ડામોરની હાર થતા, તેનો ખાર રાખીને પૂર્વ આયોજિત કાવતરું રચી એક પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો છે.​પીડિત પ્રિયંકાબેન બચુભાઈ ડામોરની રજૂઆત મુજબ, ૨૮ એપ્રિલના રોજ સાંજે આશરે ૪:૩૦ વાગ્યે હથિયારોથી સજ્જ ટોળાએ તેમના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં મુખ્ય આરોપીઓ તરીકે (૧) સુભાષભાઈ રામસિંગભાઈ ડામોર, (૨) ઉમંગભાઈ સુભાષભાઈ ડામોર, (૩) જિગ્નેશભાઈ સુભાષભાઈ ડામોર, (૪) કીનેશભાઈ સુભાષભાઈ ડામોર, (૫) હાર્દિકભાઈ કલજીભાઈ ડામોર, (૬) કપિલભાઈ મલજીભાઈ ડામોર, (૭) હર્ષદભાઈ રમેશભાઈ ડામોર, (૮) સંજયભાઈ જોરસિંગભાઈ ડામોર, (૯) શુક્રમભાઈ કમલાભાઈ ડામોર, (૧૦) દીપકભાઈ ગજસિંગભાઈ ડામોર, (૧૧) વિશાલભાઈ કલ્પેશભાઈ ડામોર, (૧૨) જગદીશભાઇ કનુભાઈ ડામોર અને (૧૩) જિગરભાઈ કલસિંગભાઈ ડીંડોર સહિત અન્ય ૧૫ થી ૨૦ અજાણ્યા શખ્સો સામેલ હતા.આરોપીઓએ તલવાર, ધારિયા અને તમચા જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘૂસી “તમારા બાપ અને ભાઈઓના કારણે અમે ચૂંટણી હારી ગયા છીએ” તેમ કહી આતંક મચાવ્યો હતો. ફરિયાદી પ્રિયંકાબેને આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેની છેડતી કરી કપડાં ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રતિકાર કરતા માથામાં ધારિયાનો ઘા ઝીંક્યો હતો. આ હુમલામાં બચાવવા વચ્ચે પડેલી તેની માતા અને બહેનને પણ લાકડીઓથી બેફામ માર મારવામાં આવતા તેની માતાને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે. હુમલાખોરોએ ઘરમાંથી સોનાની ચેઈન, બુટ્ટીઓ અને લગ્ન પ્રસંગ માટે રાખેલા રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) રોકડા સહિત લાખોની મત્તાની લૂંટ ચલાવી હતી.​આ મામલે પીડિત પરિવારે પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર રોષ વ્યક્ત કર્યો છે. પ્રિયંકાબેનના જણાવ્યા મુજબ, ઝાલોદ પોલીસે રાજકીય દબાણમાં આવીને ઓનલાઈન થયેલી ગંભીર ફરિયાદને બદલે છેતરીને સાદા કાગળો પર સહીઓ કરાવી માત્ર સામાન્ય મારમારીનો ગુનો નોંધ્યો છે. આ અન્યાય સામે પીડિત પરિવારે હવે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સંબોધીને લેખિત રજૂઆત કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પીડિત પરિવારે નામદાર કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!