ગાંધીનગરના અંબા ટાઉનશીપ – ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ પ્રેઝન્ટેશન આપ્યું

તા.૦૭.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગાંધીનગરના અંબા ટાઉનશીપ – ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ પ્રેઝન્ટેશન આપ્યું
ગાંધીનગર સ્થિત અંબા ટાઉનશીપ – ત્રિમંદિર ખાતે આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલી શ્રેષ્ઠ કામગીરી અને પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ સેમિનારમાં આદિવાસી વિસ્તારોના જમીન હકો અને મહેસૂલી કાયદાઓમાં સમયાનુકૂલ સુધારાની આવશ્યકતા અંગે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, અમદાવાદથી ઉમરગામ સુધીના 14 જિલ્લાઓમાં ફેલાયેલા ટ્રાયબલ બેલ્ટમાં જમીન સંબંધિત પ્રશ્નો અને ખાસ કરીને કલમ 73-A ની અમલવારી અંગે આજે મહત્ત્વની ચર્ચા ચિંતન શિબિરમાં કરવામાં આવી હતી. હાલમાં આદિવાસી વ્યક્તિએ પોતાની જમીન અન્ય આદિવાસીને વેચવા માટે પણ પૂર્વ મંજૂરી લેવી પડે છે, જેમાં લાંબો સમય વીતી જતો હોય છે. જો આ સત્તાઓ સ્થાનિક કલેક્ટર સ્તરે જ વધુ સુદ્રઢ કરવામાં આવે, તો સમય મર્યાદામાં નિકાલ લાવી શકાય. આદિવાસી ખેડૂતો કે જેઓ બિલ્ડર અથવા લેન્ડ ડેવલપર બનવા માંગે છે, તેમને દરેક સબ-પ્લોટના વેચાણ માટે વારંવાર પરવાનગી લેવી પડે છે. આ પ્રક્રિયાના બદલે જો એકવાર બિન-ખેતી (NA) ની મંજૂરી મળે ત્યારે જ વેચાણની છૂટ આપવામાં આવે, તો વચેટિયાઓનો પ્રભાવ ઘટી શકે અને આદિવાસીઓનો આર્થિક વિકાસ ઝડપી બને.વધુમાં નિરગુડેએ ઉમેર્યું હતું કે, બદલાતા સમય અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આદિવાસી જમીન કાયદાઓનું દર 10 વર્ષે નિષ્ણાત સમિતિ દ્વારા રિવ્યુ થવો જોઈએ, જેથી વહીવટી ગુંચવણો દૂર કરી શકાય.જે જમીનોમાં શરતભંગ થયો હોય તેવી જમીનો લાંબા સમય સુધી પડતર રહે છે. આવી જમીનોને 5 કે 10 વર્ષની મર્યાદા બાદ સામાજિક કે સાર્વજનિક હેતુ માટે ઉપયોગમાં લેવાની જોગવાઈ કરવા પર નિરગુડેએ ભાર મૂક્યો હતો





