
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ફ્લાયવિંગ ફાઉન્ડેશન દ્વારા મુંદરા CHC ખાતે નિઃશુલ્ક મહા મેડિકલ કેમ્પ યોજાયો: ૧૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો
મુંદરા (કચ્છ):
“માનવસેવા એ જ સાચી પ્રભુસેવા” ના ભાવિ ધ્યેય મંત્ર સાથે સામાજિક ક્ષેત્રે સતત સક્રિય ફ્લાયવિંગ ફાઉન્ડેશન – મુંદરા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), મુંદરા ખાતે એક વિશાળ નિઃશુલ્ક મહા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં મુંદરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા ૧૦૦ થી પણ વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્ય સુવિધાઓનો લાભ લીધો હતો.
ગરિમાપૂર્ણ દીપ પ્રાગટ્ય અને શુભારંભ:
કાર્યક્રમનો પ્રારંભ પ્રોટોકોલ મુજબ વરિષ્ઠ તબીબો અને પ્રશાસનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. જેમાં મુંદ્રાના સિનિયર ફિઝિશિયન ડૉ. રાજેશ ગાંધી, CHC ના અધીક્ષક ડૉ. મંથન ફ્ફ્લ, ડૉ. પાર્થ પટેલ, ડૉ. દેવાંશ ખંડોલ, ડૉ. અન્વય ગાંધી, મુંદ્રા સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એમ.આર. સાકોરીયા તથા મુંદ્રા નગરપાલિકા પ્રમુખશ્રી ભોજરાજજી ગઢવીના વરદ હસ્તે સંયુક્ત રીતે કેમ્પ ખુલ્લો મુકાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાયવિંગ ફાઉન્ડેશનની સામાજિક અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓની મુક્ત મને સરાહના કરી હતી.
નિષ્ણાત તબીબો અને સહયોગી સંસ્થાઓનું યોગદાન:
આ કેમ્પમાં અનુભવી નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની ઝીણવટભરી શારીરિક તપાસ, બીપી, સુગર, આંખની તપાસ તેમજ સામાન્ય રોગોનું નિદાન કરી નિઃશુલ્ક માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી હતી. આ પુણ્યકાર્યમાં ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે ગાંધી સર્જિકલ હોસ્પિટલ, શ્વાસ હોસ્પિટલ, સ્વાસ્થ્ય હોસ્પિટલ, ગાંધી નેત્રાલય અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) મુંદરા ની તબીબી ટીમોએ બહુમૂલ્ય સહયોગ આપ્યો હતો.
તબીબી સન્માન અને કાર્યકરોનું નિષ્ઠાપૂર્વક પ્રદાન:
કેમ્પમાં પ્રશંસનીય સેવાઓ આપનાર તમામ નિષ્ણાત તબીબો અને મેડિકલ સ્ટાફનું ફ્લાયવિંગ ફાઉન્ડેશન તરફથી મોમેન્ટો (સન્માન ચિહ્ન) અને પુષ્પગુચ્છ અર્પણ કરીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સુચારુ અને સફળ બનાવવા માટે સંસ્થાના સમર્પિત કાર્યકરો માણેક બારોટ, મેહુલ જોષી, ગજેન્દ્ર ચૌહાણ, ચાંદની બાપટ તથા સંધ્યા બાપટ દ્વારા સવારથી જ ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આભાર દર્શન:
કાર્યક્રમના અંતે ફ્લાયવિંગ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ગીતાબેન સંજય બાપટ દ્વારા કેમ્પમાં પધારેલા તમામ અતિથિ વિશેષો, સહયોગી હોસ્પિટલોના તબીબો, CHC મુંદ્રાના મેડિકલ/પેરામેડિકલ સ્ટાફ, પત્રકાર મિત્રો તથા સેવા આપનાર તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



