શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ સ્પેસ ડે ઉજવણી કરવામાં આવી
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ સ્પેસ ડે ઉજવણી કરવામાં આવી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને વિજ્ઞાન તથા ટેક્નોલોજી પ્રત્યે રસ વધે તે માટે વિવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ભારતના અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રની સિદ્ધિઓને ઉજાગર કરવા તેમજ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે હેતુથી નેશનલ સ્પેસ ડે નિમિત્તે લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ખાતે સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે વર્ષ 2023માં ચંદ્રયાન-3ના ઐતિહાસિક સફળ ચંદ્ર અવતરણની યાદમાં દર વર્ષે 23 ઑગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો ખાતે વિદ્યાર્થીઓ માટે સ્પેસ ક્વિઝ અને લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું હતું. લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તુષારભાઈ પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન, ભારતના અવકાશ કાર્યક્રમ, વિવિધ સ્પેસ મિશન, સ્પેસ ટેક્નોલોજી તેમજ ભવિષ્યની અવકાશ સંભાવનાઓ અંગે રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. પ્રથમ તબક્કામાં પ્રિલિમિનરી MCQ રાઉન્ડ યોજાયો હતો,આ રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે PPT આધારિત ફાઇનલ ક્વિઝ રાઉન્ડ યોજાયો હતો. ફાઇનલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અવકાશ વિજ્ઞાન અંગેના પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. ક્વિઝનું સમગ્ર સંચાલન પ્રતાપસિંહ ઓરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની રસપ્રદ અને સંવાદાત્મક શૈલીના સંચાલનથી ક્વિઝ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસાનું વાતાવરણ જોવા મળ્યું હતું.સ્પર્ધાના ક્વિઝના નિર્યાયક તરીકે શ્રી ડો.એસ.આર.ગજેરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ત્રણેય વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સાયન્સ સિટી, અમદાવાદની પરિવાર સાથે નિઃશુલ્ક મુલાકાત માટે ફેમિલી વાઉચર એનાયત કરવામાં આવ્યા હતા.તથા પ્રમાણપત્ર અને મેડલો એનાયત કરાયા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો દ્વારા વિદ્યાર્થીઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શ્રધ્ધાબેન કચોટ તથા રીનાબેન મકવાણા દ્વારા પ્રોગ્રામ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ની અખબારી યાદીમાં જણાવ્યું હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





