હાલોલ:ગણેશ ઉત્સવને લઈને હાલોલ પોલીસ એક્શન મોડમાં, આયોજકો અને ડીજે સંચાલકો સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૮.૨૦૨૬
આગામી ગણેશ ઉત્સવની ઉજવણી શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં થાય તે માટે પંચમહાલ જિલ્લાની હાલોલ પોલીસ સજ્જ થઈ છે. ગણેશોત્સવ પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી હાલોલ રૂરલ પોલીસ મથકે રવિવારના રોજ એક ખાસ સમીક્ષા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અને હાલોલ રૂરલ પોલીસ સબ PSIની ખાસ હાજરીમાં યોજાઈ હતી. જેમાં હાલોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના તમામ ગણેશ મંડળના આયોજકો અને ડીજે સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા આયોજકો અને ડીજે સંચાલકોને સરકારી માર્ગદર્શિકા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને ડીજેના અવાજની મર્યાદા જાળવવા, વિસર્જન યાત્રાના રૂટનું પાલન કરવા અને સુલેહ-શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા માટે પોલીસે આયોજકોને સહકાર આપવા વિનંતી કરી છે.










