સુરેન્દ્રનગરમાં નિવૃત્ત પેન્શનધારકોનો અનોખો વિરોધ: પડતર માંગણીઓને લઈ વઢવાણના ધારાસભ્યને બાંધી રાખડી
કેન્દ્ર અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નિવૃત્ત કર્મચારીના અવસાન બાદ, છૂટાછેડા લીધેલી અને અપરિણિત દીકરીઓને પેન્શન આપવા જોરદાર માંગ

તા.24/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
કેન્દ્ર અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નિવૃત્ત કર્મચારીના અવસાન બાદ, છૂટાછેડા લીધેલી અને અપરિણિત દીકરીઓને પેન્શન આપવા જોરદાર માંગ, રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો દ્વારા પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ સંતોષાય તે માટે એક અત્યંત અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ અને તેમના પરિવારજનોએ વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાના હાથે રક્ષાસૂત્ર બાંધીને પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાના કાર્યાલય ખાતે આજે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી. બહેનોએ નાયબ દંડક જગદીશ મકવાણાને રાખડી બાંધીને આશીર્વાદ આપવાની સાથે-સાથે નિવૃત્ત કર્મચારીઓના પરિવારજનોના હિતમાં રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરી પ્રશ્નોનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી. ગુજરાતમાં પણ નિયમ લાગુ કરવા માંગ
રજૂઆત દરમિયાન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના પગાર ધોરણો, પેન્શનમાં સુધારા અને સેવા વિષયક બાબતોમાં જે નિયમો અમલી બનાવાયા છે, તે મુજબ રાજ્ય સરકાર પણ નિર્ણય લે. અને હાલમાં કેન્દ્ર સરકાર ઉપરાંત હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં નિવૃત્ત પેન્શન ધારકના મૃત્યુ બાદ તેમની અપરિણિત, વિધવા, કે છૂટાછેડા લીધેલી દીકરીઓને આજીવન પેન્શન ચૂકવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં આ નિયમ ન હોવાને કારણે પેન્શન ધારકના મૃત્યુ પછી તેમની આશ્રિત દીકરીઓને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમનું શોષણ થાય છે. રાજ્યમાં ૪ લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને ૫૬૦થી વધુ ફાઈલો અટવાયેલી
પેન્શન ધારકની દીકરી અને છૂટાછેડાનો ભોગ બનેલા સ્થાનિક અગ્રણી દીપાલીબેન શાહે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “માતા-પિતાના અવસાન પછી છૂટાછેડા લીધેલી કે અપરિણિત દીકરીઓ માટે ઘર ચલાવવું ખૂબ જ કઠિન બની જાય છે. ગુજરાતમાં હાલ આ પ્રકારના અંદાજે ૫૬૦ જેટલા કેસોની ફાઈલો સરકારમાં નિર્ણાયક નિર્ણયની રાહ જોઈને પડી છે. સમગ્ર રાજ્યના ૪૪૨ તાલુકાઓમાં આશરે ૪ લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓ છે. જો કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યો આ સંવેદનશીલ નિર્ણય લઈ શકતા હોય તો ગુજરાત સરકારે પણ તાત્કાલિક ધોરણે આ અંગે સકારાત્મક નિર્ણય લેવો જોઈએ.” બહેનો દ્વારા કરાયેલી આ અનોખી રજૂઆત અને રાખડીના બંધનને સ્વીકારીને નાયબ દંડક જગદીશ મકવાણાએ નિવૃત્ત કર્મચારીઓ અને તેમની દીકરીઓની આ માંગણીને રાજ્ય સરકારના ઉચ્ચ સ્તર સુધી પહોંચાડીને યોગ્ય ઉકેલ લાવવા માટે હકારાત્મક ખાતરી આપી હતી.





