GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરમાં સ્વચ્છતાની પોલ ખુલી: હાઇવેથી મહાદેવ મંદિર સુધીનો રસ્તો ગંદા પાણીથી તરબતર, ભક્તો અને સ્થાનિકોમાં રોષ.

તારીખ ૦૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર ગામે હાઈવે થી વેજનાથ મહાદેવ મંદિર સુધીના રસ્તા પર છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી રેલમછેલ થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સ્થાનિક મકાન માલિકો દ્વારા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ સીધો જ સીસી રોડ ઉપર કરવામાં આવતો હોવાથી આખો રસ્તો કાદવ-કીચડ અને ગંદા પાણીથી ભરાઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી જમા થઈ જતાં રસ્તા પર મોટા પાણીના ખાડાઓ બની ગયા છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું અત્યંત જોખમી બન્યું છે. ખાસ કરીને વૃદ્ધો, મંદિરે દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને કાદવમાંથી પસાર થતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અને વેજલપુર ગામનો વર્ષો જૂનો મુખ્ય માર્ગ રસ્તો હોવાથી રાત દિવસ અનેક લોકો ત્યાંથી પસાર થતા હોય છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દુર્ગંધના કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના કારણે રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. ગામના લોકોનું કહેવું છે કેટલાક દિવસો થી આ સમસ્યા હોવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે અનેક વખત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય ને રજૂઆત કરી છે, પરંતુ સ્થાનિક તંત્ર હાલ મુકપ્રેક્ષક બની બેઠું છે લોકમુખે ચર્ચા મુજબ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક મકાન માલિકો ને ગંદુ પાણી રસ્તા પર છોડવાની ખુલ્લી છુટ આપવામાં આવી છે. લોકોનો આરોપ છે કે તંત્રની ઉદાસીનતાને કારણે આ સમસ્યા વધુ વકરી છે. રાહદારીઓ અને સ્થાનિકોની માંગ છે કે વેજલપુર ગ્રામ પંચાયત તાત્કાલિક ગટર લાઈનની વ્યવસ્થા કરીને ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરે અને રસ્તાની મરામત કરાવે. જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મંદિરે દર્શન કરવા જતાં ગ્રામજનોએ આંદોલનની ચેતવણી આપી છે. હાલમાં આ માર્ગ પસ્થી પસાર થવું જોખમી બન્યું છે અને લોકો તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની આશા રાખી રહ્યા છે આ સમસ્યા અંગે તાલુકા પંચાયત સભ્ય સાથે સીધી વાત કરતા તાલુકા પંચાયત સભ્ય કુલસુમબીબી કઠિયા એ જણાવેલ કે અગાઉ ની ટર્મ માં તેઓના પતિ સલીમ કઠિયા દ્વારા ૨૦ % ગ્રાન્ટ માંથી ગટર લાઈન મંજુર કરાવેલ છે તેઓની પાંચ વર્ષ ની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે તે કામ વેજલપુર ગ્રામ પંચાયત એ કરવાનું છે હજુ સુધી તે કામ આજદિન સુધી કરવામાં આવ્યું નથી કે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું નથી તેવું જણાવ્યું છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત વહેલી તકે ગટર લાઈન નું કામ શરૂ કરે તેવી ગામજનો ની માંગ ઉઠી છે.

 

Back to top button
error: Content is protected !!