BUSINESS

યુવા પેઢી માટે હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્વ

  • લેખકભાસ્કર નેરુરકરપ્રમુખ – હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશન ટીમબજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ

આજના ઝડપથી બદલાતા વિશ્વમાં, આપણી જીવનશૈલી બદલાતા સામાજિક સમીકરણોને અનુરૂપ સતત વિકસિત થઈ રહી છે. આ બદલાવ યુવા અને વૃદ્ધ બંને પેઢીઓ માટે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવે છે. લોકો, તેમની ઉંમર ગમે તે હોય, હેલ્થ ઇન્શ્યોરન્સના મહત્વથી અજાણ હોય છે. જીવનશૈલી સંબંધિત મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમકે ડાયાબિટીસ, હૃદયરોગના હુમલા, શ્વસનતંત્રમાં ચેપ અને કૅન્સર એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જે આપણને વૃદ્ધ લોકોમાં જોવા મળતી હતી અને હવે નાની ઉંમરે યુવા પેઢીમાં જોવા મળે છે. આને લીધે હેલ્થ ઇન્શ્યોરન્સની સુરક્ષા યુવા પેઢી માટે વધુ મહત્વપૂર્ણ બને છે, જેઓ ચોક્કસ નાણાંકીય સુનિશ્ચિતતા સાથે પોતાના ભવિષ્યના સપના જુએ છે અને પ્લાન કરે છે.

ચાલો, તમારે શા માટે નાની ઉંમરમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરવો જોઈએ તે વિશે નીચેના કેટલાક પરિબળો પર નજર કરીએ:

  1. વાજબી પ્રીમિયમ હંમેશા નાની ઉંમરે હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવાની સલાહ આપવામાં આવે છે. આનું કારણ એ છે કે યુવાન લોકોને બીમારીઓ થવાની સંભાવના ઓછી હોય છે અને અકસ્માત થવાનું જોખમ વધુ હોય છે. નાની ઉંમરે તુલનાત્મક રીતે ઓછા પ્રીમિયમ સાથે વ્યાપક કવરેજ પસંદ કરવાનો ફાયદો મળી શકે છે. તેથી, તમે જેટલું વહેલા હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાનું પસંદ કરો, તેટલી જ વધુ નાણાંકીય સુરક્ષા તમને ઓછા પ્રીમિયમ પર તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા મળી શકે છે.
  2. વેટિંગ પીરિયડજ્યારે તમે યુવાન હોવ, ત્યારે તમને ગંભીર રોગો થવાની સંભાવના ઓછી હોય છે, જે તમને સામાન્ય રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે સંકળાયેલ વેટિંગ પીરિયડમાં ફાયદો કરાવી આપે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે, વેટિંગ પીરિયડ સામાન્ય રીતે પૉલિસીની અવધિ શરૂ થયાના 30 દિવસનો હોય છે. આનો અર્થ એ છે કે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ પ્રારંભિક વેટિંગ પીરિયડ સુધી રાહ જોવાની રહેશે, જે દરમિયાન માત્ર અકસ્માત સંબંધિત ઈજાઓના ક્લેઇમ જ સ્વીકાર્ય હોય છે. તમે જેટલા યુવાન હોવ, તેટલું કોઈ ક્લેઇમ કર્યા વિના વેટિંગ પીરિયડ પસાર કરવાનું સરળ બને છે. બીજી તરફ, જેમ ઉંમર વધે છે તેમ તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની સંભાવના રહે છે અને તમે આ વેટિંગ પીરિયડ દરમિયાન કોઈ ક્લેઇમ દાખલ કરી શકતા નથી. વધુમાં, ઘણી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં હાઇ બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસ અને અન્ય ચોક્કસ રોગો માટે લાંબા વેટિંગ પીરિયડ પણ હોય છે. આવા રોગો માટે વેટિંગ પીરિયડ ઘણીવાર લાંબો હોય છે કારણ કે તેમને પહેલાંથી હાજર અથવા ઉચ્ચ-જોખમ ધરાવતી સમસ્યાઓ માનવામાં આવે છે, જે શરીરમાં સેટ થવામાં સમય લે છે. આ મેટરનિટી કવરેજ જેવા અન્ય કવરેજ માટેના વેટિંગ પીરિયડ પર પણ લાગુ પડે છે. તેથી, નાની ઉંમરે હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવાથી તમે આ ચોક્કસ વેટિંગ પીરિયડ વહેલા પૂર્ણ કરી શકો છો. આનો અર્થ એ છે કે તમે પરિવાર શરૂ કરવાનો પ્લાન બનાવો અથવા જો તમને કોઈ મોટી બીમારીઓ થાય, તો ત્યાં સુધીમાં વેટિંગ પીરિયડ પહેલેથી જ સમાપ્ત થઈ ગયો હોય. આના પરિણામે, જો કમનસીબે, ભવિષ્યમાં તમારા પૉલિસી સમયગાળા દરમિયાન આવી ઘટનાઓ બને, તો તમે આવા રોગો માટે ક્લેઇમ દાખલ કરી શકો છો.
  3. પૉલિસી પહેલાં કોઈ તબીબી તપાસ નહીંનાની ઉંમરે હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે જ્યાં સુધી તમે તબીબી ઇતિહાસમાં કંઈ જાહેર ન કર્યું હોય ત્યાં સુધી તમારે પૂર્વ-તબીબી તપાસ કરાવવાની જરૂર નથી. જેમ જેમ તમારી ઉંમર વધે છે, તેમ તેમ તમારે સૌપ્રથમ પૂર્વ-તબીબી તપાસની જરૂર પડી શકે છે, જેના આધારે તમારા પ્રપોઝલની સ્વીકૃતિ નિર્ધારિત થઈ શકે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે, તમે નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવી શકો છો અને નિવારક પગલાં લઈ શકો છો. આ સક્રિય અભિગમ તમને કોઈપણ સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓને વહેલી તકે ઓળખવામાં અને સમય જતા તેને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ બનતા અટકાવવામાં મદદ કરે છે.
  4. સંચિત બોનસઘણા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે સંચિત બોનસ ઑફર કરે છે. આ બોનસ તમને અતિરિક્ત શુલ્ક વગર તમારી વીમાકૃત રકમમાં આપમેળે વધારો કરવાની સુવિધા આપે છે. યુવાન લોકો સામાન્ય રીતે તંદુરસ્ત હોય છે અને પૉલિસી વર્ષ દરમિયાન તેમને કોઈ ક્લેઇમ કરવાની જરૂર પડતી નથી, જે તેમના માટે સમય જતાં આ બોનસ એકત્રિત કરવાનું સરળ બનાવે છે. વૃદ્ધ લોકોને ઉંમરને સંબંધિત તબીબી સમસ્યાઓ હોઈ શકે છે, જેના માટે ક્લેઇમ કરવામાં આવી શકે છે, જેના કારણે તેમના માટે સંચિત બોનસ મેળવવાનું પડકારજનક બને છે.
  5. વધતા ખર્ચને ઘટાડવામાં મદદ: ભારતમાં સ્વાસ્થ્ય સંભાળ વધુ મોંઘી થઈ રહી છે અને સ્વાસ્થ્ય સંભાળના ખર્ચમાં ફુગાવાને કારણે તેના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, યુવા પેઢીમાં ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, કૅન્સર અને હૃદય રોગ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી રહી છે, જેનું મુખ્ય કારણ તેમની જીવનશૈલીમાં થયેલ પરિવર્તન છે, જેના કારણે સ્વાસ્થ્ય સંભાળના ખર્ચમાં એકંદર વધારો થાય છે. આ બીમારીઓની સારવારમાં નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે, જે યુવા પેઢી અને તેમના પરિવારો માટે નાણાંકીય બોજ બને છે. આ જ કારણ છે કે નાની ઉંમરે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવો મહત્વપૂર્ણ છે કારણ કે હેલ્થ ઇન્શ્યોરન્સ એક નાણાંકીય સપોર્ટ સિસ્ટમની જેમ છે, જે તમને આવા ઉચ્ચ તબીબી ખર્ચથી બચાવવામાં મદદ કરે છે. તે એક આર્થિક બૅકઅપ પ્લાન હોવા જેવું છે, જે સુનિશ્ચિત કરે છે કે તબીબી કટોકટીના કિસ્સામાં તમે નાણાંકીય રીતે સુરક્ષિત રહો.

હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે, તમારે શું જરૂરી છે તે ધ્યાનમાં લો. જો તમે યુવાન હોવ, તો વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જુઓ, તેઓ કયા કવરેજ ઑફર કરે છે તે જુઓ, તેમની નેટવર્ક હૉસ્પિટલની જાણકારી મેળવવા સહિત ઇન્શ્યોરન્સ કંપની વિશે નોંધપાત્ર સંશોધન કરો અને તમારા પરિવારના ઇતિહાસની જાણકારી સાથે તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવી પૉલિસી પસંદ કરો. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાઓ પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો એ ચતુરાઈ છે કારણ કે તે તમને વધુ કવરેજ આપે છે અને તમારા પૈસાને સુરક્ષિત રાખે છે. તે યુવા પેઢીને, તેમની સ્વાસ્થ્ય અને આર્થિક સુખાકારી સુરક્ષિત છે એ જાણીને આત્મવિશ્વાસ સાથે જીવનની અનિશ્ચિતતાઓને પસાર કરવાની સુવિધા આપે છે.

#હેલ્થ ઇન્શ્યોરન્સ

Back to top button
error: Content is protected !!