
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શ્રદ્ધાને ભારે વરસાદ પણ ના રોકી શકયો, વરસતા વરસાદે સ્વયંભૂ શ્રી ખંડુજી મહાદેવ ધામમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી અને આ કહેવત અરવલ્લીની ગિરિમાળાઓ ની વચ્ચે કુદરતના સાનિધ્યમાં આવેલા ઉમેદપુર ગામમાં સાર્થક થઈ છે. ઉમેદપુર ગામે આવેલા પવિત્ર ભગવાન શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવ ધામમાં પરંપરાગત મેળો યોજાયો હતો.સદીઓથી ભાદરવા મહિનાના બીજા રવિવારે યોજાતો મેળો આ વર્ષે પણ યોજાયો હતો જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી.
ઉમેદપુર સહિત આસપાસ ના ગામોમાં સતત 1 અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં વરસતા વરસાદની વચ્ચે ભક્તો ભગવાન ખંડુજી મહાદેવના ધામમાં પહોંચ્યા હતા.હજારોનિ સંખ્યામાં પહોંચેલા ભક્તોએ ભગવાન ખંડૂજી સામે શીશ નમાવી જગત કલ્યાણ ની પ્રાર્થના કરી હતી.સાથે દુધાળા પશુઓના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન ખંડુજી મહાદેવને અરજ કરવામાં આવી હતી.મનુષ્ય અને પશુપાલકોના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન ખંડુજી મહાદેવની માનતા માનવામાં આવે છે અને તે માનતા પૂર્વ કરવા માટે દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ભક્તો અહીં ઉમટી પડતા હોય છે જ્યાં ભવ્ય લોક મેળો ભરાય છે.આ લોકમેળા માં હજારોની જનમેદની ઉમટી પડે છે અને ભગવાન શ્રી ખંડુજી મહાદેવના આર્શીવાદ લઈ ભક્તો ધ્યાનતા અનુભવે છે.
ખેડૂતો અને પશુપાલકોમાં આ મેળાનું વિશેષ મહત્વ રહેલું છે,કારણ,કે જે કોઈ પશુપાલકના પશુ દૂધ આપવામાં ઉણું ઉતરતું લાગે અથવા તો કોઈ અન્ય પ્રકારની દુધાળા પશુઓ અંગે ની સમસ્યા ઉદભવે ત્યારે પશુપાલકો શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવની બાધા માનતા રાખતા હોય છે,કે જો તેનું પશુ સારું થઇ જશે તો ખંડુજી મહાદેવ મંદિરે મેળા દરમ્યાન પશુ ના પ્રથમ બનેલા ઘી માંથી બનેલી સુખડી ખંડુજી મહાદેવ ને ધરાવશે,અને તે માનતા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉમેદપુર ગામે આ મેળામાં તેઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ઉમટી પડ્યા હતા. સાથે જ અહીં એવી પણ પરમ્પરા છે,કે જે પરિવારને આ મંદિર ની બાધા હોય તે ઘરનો મુખ્ય વ્યક્તિ વહેલી સવારે ચાલતા આવે અને આ મંદિરે આવીને દાતણ કરે છે.આ પ્રકારે ખંડુજી મહાદેવ મંદિરે ભરાતા લોકમેળાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.
રાજ્યનું આ એક માત્ર મહાદેવ મંદિર છે.જ્યાં શિવજીની શ્રાવણની સાથે ભાદરવામાં પણ વિશેષ પૂજા થાય છે અને તેને લઈ ભાદરવામાં પણ ખંડુજી મહાદેવની પૂજા માટે ભક્તોની લાંબી લાઈનો લાગતી હોય છે લોકોની માન્યતા છે કે ખંડુજી મહાદેવ સામે શિષ નમાવી માનતા માનવામાં આવે તો ભગવાન ખંડુજી મહાદેવ પૂર્ણ કરે છે એટલું જ નહિ મનુષ્યની સાથે પશુઓની સુખાકારી પણ જળવાય રહે છે.
*લંમ્પી વાયરસ થી પશુઓને બચાવવા શ્રી ખંડુજી મહાદેવની વિશેષ પ્રાર્થના*
રાજ્યના અનેક ભાગોમાં અને ખાસ કરીને અરવલ્લીની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને તેના કારણે અનેક પશુઓના મોત નીપજ્યા છે અને તેમાં પણ ખાસ ગાય માતા તેનો ભોગ બની રહી છે ત્યારે પશુપાલકોની આસ્થા સમાન શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવ મંદિર ખાતે હજારો પશુપાલકો પશુઓ અને તેમાં પણ ખાસ ગાય માતા સ્વસ્થ રહે તે માટે ભગવાન શ્રી ખંડુજી મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવી હતી.અને કાળ રૂપી લંમ્પી વાયરસ થી પશુઓને બચાવવા માટે વિશેષ પ્રાથના કરવામાં આવી હતી.




