GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં પરિણીતાને પતિના શારીરિક-માનસિક ત્રાસથી ઉગારતી અભયમ્ ટીમ

તા.૧૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન એટલે નારીને નિર્ભયતાનું વચન. રાજકોટ જિલ્લામાં અભયમ્ ટીમે અનેક મહિલાઓને શારીરિક, માનસિક અને સામાજિક હિંસા સામે સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. જેનું વધુ એક દ્રષ્ટાંત સામે આવ્યું છે. જેમાં અભયમ્ ટીમે પરિણીતાને પતિના શારીરિક-માનસિક ત્રાસથી ઉગારી હતી.

રાજકોટ શહેરમાં રહેતા એક દંપતીના લગ્નને અંદાજે ૧૮ વર્ષ થયા છે, તેમને બે સંતાનો છે. પતિ નશીલા પદાર્થના રવાડે ચડી ગયો હતો અને તરુણ વયના બે પુત્રોની સામે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. વધુમાં, પત્નીને ઘરખર્ચ માટે નાણા આપવાનું પણ પતિએ બંધ કરી દીધું હતું. જેથી, પત્ની મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી રહી. બીજી તરફ પત્નીનું અન્ય પુરુષ સાથે નામ જોડી દીધું અને બાળકો સામે શારીરિક સંબંધની માંગણી કરવા લાગ્યો. પીડિતા વિરોધ કરે તો ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપી. પતિનો ત્રાસ અસહ્ય બનતાં પત્નીએ પિતાના ઘરે રહેવા જવાનું પણ વિચાર્યું. પરંતુ તેને બે સંતાનોની ચિંતા સતાવતી. આવી પરિસ્થિતિમાં મહિલાએ આખરે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની સહાય લેવાનું નક્કી કર્યું.

પીડિતાએ ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કરીને ટૂંકમાં પોતાની આપવીતી જણાવી. આથી, અભયમ્ ટીમ રૂબરૂ તેની મદદે આવી. કાઉન્સિલરશ્રી કાજલબેન પરમાર અને પોલીસ કોન્સ્ટેબલશ્રી પાયલબેને દંપતીનું કાઉન્સિલિંગ કર્યું. પીડિતાના પતિને પત્ની અને બાળકોનું મહત્વ સમજાવ્યું અને નશીલા પદાર્થનું સેવન કરવું અને શારીરિક ત્રાસ આપવો, એ કાયદાકીય રીતે ગુનો અને ગુનેગાર સજાને પાત્ર બનતો હોવાની સમજ આપી. અંતે પતિને પોતાની ભૂલ સમજતા, પત્ની અને સંતાનોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે શારીરિક-માનસિક ત્રાસ નહીં આપવાની ખાતરી આપી હતી. આમ, સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો. આ તકે પરિણીતાએ અભયમ્ ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!