RAMESH SAVANI

તોડબાજ પત્રકારો/ એજેન્ડાધારી પત્રકારોને ‘પત્રકાર’ કહી શકાય?

કોઈ પણ શહેર/ તાલુકા મથકો ઉપર જાતજાતના ફરફરિયાં પ્રસિદ્ધ થાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં તે બિલકુલ અપ્રસ્તુત છે, છતાં એવા ફરફરિયાં શામાટે પ્રસિદ્ધ થતાં હશે? કેટલાંક પત્રકારોએ પત્રકારત્વને તોડ કરવાનો ધંધો બનાવી દીધો છે. કેટલાંક પત્રકારો મહિલાઓના અપમૃત્યુની ઘટનાઓમાં તેમના પરિવારજનો પાસેથી તોડ કરતા હોય છે ! કેટલાંક ફરફરિયાં વાળાએ તો ‘પ્રેસ પ્રતિનિધિ’નું આઈ-કાર્ડ વેચવા હાટડીઓ ખોલી છે ! નાના ફરફરિયાના પત્રકારો જ તોડ કરે છે એવું નથી. ઝી ન્યૂઝના પત્રકાર સુધીર ચૌધરી; નવીન જિંદાલ પાસેથી 100 કરોડ રુપિયાનો તોડ કરતા કેમેરામાં ઝડપાઈ ગયેલ તેથી 30 નવેમ્બર 2012 ના રોજ તેને તિહાડ જેલવાસ કરવો પડ્યો હતો ! જો કે પાછળથી સમાધાન થતાં તે જેલમુક્ત બનેલ. નાનો તોડ કરનારા નાના પત્રકારોને સજા થાય પરંતુ ‘કોર્પોરેટ તોડ’ કરનાર પત્રકારો બચી જાય છે !

પત્રકાર તો ગાંધીજી હતા, ડો. આંબેડકર હતા. પરંતુ તેમનું પત્રકારત્વ સમાજને જાગૃત કરવા માટેનું હતું. હવે પત્રકારત્વ ‘સેવા’ માટેનું નથી રહ્યું, પરંતુ ‘મેવા’ માટેનું છે ! જો કે કેટલાંક સ્વતંત્ર પત્રકારો/ સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ એવા છે જે લોકજાગૃતિનું કામ કરે છે. ગુજરાતમાં નવજીવન ન્યૂઝ/ ડો. હરિ દેસાઈ લોકોને જગાડવાનું કામ કરે છે. હિન્દીમાં રવિશકુમાર/ અશોક વાનખેડે/ અજિત અંજુમ/ સાક્ષી જોશી/ અભિસાર શર્મા/ પુણ્યપ્રસૂન બાજપાઈ/ આરફા ખાનમ શેરવાની વગેરે સત્તાને સવાલ કરે છે, એટલે ‘સત્તા’ આ પત્રકારોને હેરાન કરવાની તક શોધ્યા કરે છે ! પત્રકાર સિદ્દીક કપ્પન જેવા કેટલાંક સાચા પત્રકારોને ખોટા કેસમાં જેલમાં પૂર્યા છે. મીડિયા હાઉસના માલિકો પર દબાણ લાવી કેટલાક પત્રકારોની નોકરી છીનવી લીધી છે. કેટલાંક સ્વતંત્ર ન્યૂઝ પોર્ટલ પર EDએ રેઈડ કરી છે. તો ગૌરી લંકેશ (5 સપ્ટેમ્બર 2017)/ ગોવિંદ પાનસરે (20 ફેબ્રુઆરી 2015)/ એમ. એમ.કલબુર્ગી (30 ઓગસ્ટ 2015)/ નરેન્દ્ર ડાભોલકર (20 ઓગસ્ટ 2013) જેવા નિડર પત્રકારોની હત્યાઓ થઈ છે. રવિશકુમાર સત્તાને સવાલ પૂછતા હતા એટલે NDTVમાંથી તેમને હટાવવા અદાણીએ ન્યૂઝ ચેનલ જ ખરીદી લીધી ! સત્તાપક્ષનું IT Cell સ્વતંત્ર પત્રકારોને કોંગ્રેસના એજન્ટ કહે છે !

2014 પછી ‘એજેન્ડાધારી પત્રકારત્વ’ ઉદય થયો છે ! સત્તાને સવાલ પૂછે તે ‘દેશદ્રોહી’ પત્રકાર અને વિપક્ષને સવાલ પૂછે તે રાષ્ટ્રવાદી/દેશભક્ત પત્રકાર ! કેટલાંક પત્રકારો ‘સત્તાના દલાલ’ તરીકે કામ કરે છે. તેમને ‘એજેન્ડાધારી પત્રકાર’ કહી શકાય. તેમની ખાસિયત એ છે કે તેઓ સત્તાને કાયારેય સવાલ કરતા નથી; માત્ર વિપક્ષને સવાલો કરે છે; ‘સત્તાની વાહવાહી’ કરે છે અને ‘વિપક્ષનું ચરિત્રહનન’ કરે છે. આવા પત્રકારોને ‘ગોદી પત્રકાર’ કહે છે. આવું પત્રકારત્વ ‘યલો જર્નાલિઝમ’નો જ ભાગ છે. વિપક્ષી ગઠબંધન-INDIAએ 14 સપ્ટેમ્બર 2023ના રોજ, ગોદી મીડિયાના 14 એંકરનો બહિષ્કાર કર્યો છે; તેમાં અર્ણબ ગોસ્વામી/ સુધીર ચૌધરી/ સુશાંત સિન્હા/ રુબિકા લિયાકત/ નાવિકા કુમાર/ ચિત્રા ત્રિપાઠી/ અમીશ દેવગણ/ અમન ચોપડા/ અદિતિ ત્યાગી/ આનંદ નરસિમ્હન/ અશોક શ્રીવાસ્તવ/ ગૌરવ સાવંત/ પ્રાચી પારાશર/ શિવ અરુરનો સમાવેશ થાય છે. આ પત્રકારો નફરત/ધૃણા ફેલાવતી ડીબેટ કરનારા છે. આ પત્રકારો લોકજાગૃતિના બદલે લોકોને ગેરમાર્ગે દોરતા હતા; એટલે વિપક્ષી ગઠબંધને માત્ર આ એંકરોનો બહિષ્કાર કર્યો છે, ન્યૂઝ ચેનલનો બહિષ્કાર કરેલ નથી. સત્તાપક્ષની દલીલ છે કે આ તો અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે ! પરંતુ આ દલીલમાં તથ્ય નથી. કેમકે વિપક્ષ પાસે સત્તા નથી કે તેઓ આવી તરાપ લગાવી શકે. જે નાગરિકોને આ એજન્ડાધારી પત્રકારો ગમતા હોય તે તેમને જોઈ શકે છે. વિપક્ષી ગઠબંધને માત્ર એટલું જ નક્કી કર્યુ છે કે સમાજમાં ધૃણા ફેલાવતી ડીબેટમાં અમે ભાગ નહીં લઈએ. વિપક્ષી ગઠબંધનનું આ પગલું આવકારદાયક છે. અદાણી/ અંબાણી/ કોર્પોરેટ હાઉસની માલિકીના મીડિયા સત્તાની આરતી ઊતારે છે, સ્તુતિ કરે છે અને વિપક્ષને સવાલ કર્યા કરે છે ! આશ્ચર્યની બાબત એ છે કે આ ગોદી પત્રકારો 2014 પહેલાં સત્તાને સવાલ કરતા હતા; પરંતુ 2014 બાદ સત્તાને સવાલ પૂછવાનું બંધ કરીને વિપક્ષને સવાલ પૂછવાનું તેમણે ચાલુ કરેલ છે ! ગોદી પત્રકારો એક જ ચિંતા કરે છે કે ‘અવતારી વડાપ્રધાન’નો વિકલ્પ કોણ?

સાચા સમાચારને અવગણીને સનસનાટી ફેલાવતા સમાચારને વધુ પડતું મહત્વ આપવામાં આવે, સરક્યુલેશન/TRP (Television Rating Point or Target Rating Point) વધારવાના ઉદ્દેશ સાથે સમાચારો પ્રકાશિત કરવામાં આવે, કે તોડ કરવાના ઈરાદે સમાચારો પ્રસિધ્ધ કરવામાં આવે, વાંચકોને-દર્શકોને લોભાવવા જૂઠ્ઠા આક્ષેપો/ Fake news રજૂ કરે તેને ‘Yellow Journalism-યલો જર્નાલિઝમ’ કહેવાય છે ! પરંતુ યલો જર્નાલિઝમ કરતાં પણ એજેન્ડાધારી પત્રકારત્વ ખતરનાક છે ! ફરફરિયાં વાળા પત્રકારો, અમુક લોકોને નુકસાન કરે છે, જ્યારે એજેન્ડાધારી પત્રકારો સત્તાપક્ષના ભષ્ટાચારને પ્રોત્સાહન આપે છે; લોકશાહીને/ દેશને અસહ્ય નુકસાન કરે છે !rs

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!