BANASKANTHATHARAD

થરાદમાં સરહદી સાહિત્ય સભા અંતર્ગત જ્ઞાનપોષક વ્યાખ્યાનમાળા યોજાઈ

24 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

સરહદી સાહિત્ય સભા (વાવ-થરાદ-સુઈગામ)ના સાનિધ્યમાં અને મૉડેલ સ્કુલ થરાદના સૌજન્યથી થરાદ નગર ખાતે તા. 20-21-22 ફેબ્રુ. દરમિયાન ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન થયું. આ સરહદી વિસ્તારના છેવાડા સુધી સમષ્ટિનાં સાહિત્ય-સૌરભ-સાંપ્રત આજ લગી આંશિક પહોંચતાં હતાં પરંતુ સાહિત્ય સભાના ઉદભવથી વૈચારિક અને સાહિત્યિક રૂપે સરાહનીય પ્રવૃત્તિઓ થતાં પ્રદેશને એનો લાભ મળતો થયો છે; જ્ઞાનપોષક વ્યાખ્યાનમાળા એ સરહદી સાહિત્ય સભાનું સાહિત્ય પ્રેમીઓને આપેલું એવું જ એક ઉત્તમ નજરાણું છે.

થરાદ નગર ખાતે યોજાયેલી વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે શિક્ષણ જગતના અનુપમ પ્રોજેક્ટના પ્રણેતા સાક્ષરવિદ્ ડૉ. જી.એન. ચૌધરીએ ‘નાગરિક ધર્મ અને આપણે’ વિષય પર વ્યાખ્યાન આપ્યું. શ્રી ચૌધરીએ વિષયને સ્પષ્ટ કરવા ગીતાના શ્લોકો, શાસ્ત્ર, દર્શન, વૈદિક પરંપરા, વૈજ્ઞાનિક અભિગમ, જીવનપદ્ધતિ, સમાજવ્યવસ્થા, લગ્નવ્યવસ્થા, અંધશ્રદ્ધા અને માનવધર્મનો સંદર્ભ બાંધી વાતને વિગતવાર મૂકી. તેમણે ‘સો વર્ષ જીવવું છે.’ની ઉક્તિ દ્વારા આદર્શ અને સમાવેશી માનવજીવનની પદ્ધતિ સમજાવી. પ્રથમ દિવસે અધ્યક્ષસ્થાન સરહદી સાહિત્ય સભાના સંરક્ષક શ્રી તગજીભાઈ બારોટએ શોભાવ્યું હતું.

બીજા દિવસે, ડૉ. રમજાન હસણિયાએ ‘સાંપ્રત સમયમાં કૃષ્ણ અને મહાવીરના તાણાવાણા’ વિષયે સૌ શ્રોતાજનોને બંને વૈશ્વિક ચરિત્રોની આધ્યાત્મિક ગૂંથણી કરી ભાવરસથી તરબોળ કર્યા. એમણે કૃષ્ણ અને મહાવીરનાં જીવનનું દર્શન કરાવતાં બંને યુગ પ્રવર્તકોની વિચારધારા અને જીવનધારાને સદ્દષ્ટાંત રજૂ કરી. એમની અસ્ખલિત વાક્ ધારાથી સૌને અભિભૂત કર્યા. બીજા દિવસનું અધ્યક્ષ સ્થાન શ્રી ઋષિકેશ રાવલે શોભાવ્યું હતું.

ત્રીજા અને અંતિમ દિવસે, ડૉ. ગિરીશભાઈ ઠાકર દ્વારા ‘એક ચૈતન્ય શક્તિ’ વિશે સોમનાથ ભગવાનની સનાતન પરંપરાને વેદ-પુરાણો-શાસ્ત્રોના પ્રમાણોથી તોળી શ્રોતાજનોને ઐતિહાસિક દર્શન કરાવ્યાં. વ્યાખ્યાતાશ્રીની વિદ્વતાભરી વાણીમાં સોમનાથ પ્રત્યેનો અધ્યાત્મભાવ અને ઐતિહાસિક અભ્યાસ ઊડીને આંખે વળગે એમ હતાં.ત્રિજા દિવસે અધ્યક્ષ સ્થાન શ્રી.છગનભાઈ પટેલે શોભાવ્યું હતું.વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે સરહદી સાહિત્ય સભાના પ્રમુખ શ્રી એસ.આર.બેનકરે સરહદી સાહિત્ય સભાના ઉદ્ભવ અને સભાની પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કર્યા. આ વ્યાખ્યાનમાળાને ખરા અર્થમાં સફળ બનાવવા માટે સહયોગી સૌ સંસ્થાઓ અને વ્યક્તિઓનો એમણે નામજોગ આભાર પ્રગટ કર્યો તથા વ્યાખ્યાનમાળાના ત્રણે દિવસોમાં પધારેલ મહેમાનો, શ્રેષ્ઠીઓ, નગરજનો, શ્રોતાજનો, વિદ્યાર્થીઓ એમ સૌનો સત્કાર કરી આભાર માન્યો હતો.

આમ, થરાદ નગર ખાતે યોજાયેલી પ્રથમ ‘જ્ઞાન-પોષક વ્યાખ્યાનમાળા’ સફળ અને સહેતુક રહેતાં સરહદી સાહિત્ય સભાનો આ પ્રયાસ સૌ કોઈએ વધાવ્યો. આ વ્યાખ્યાન માળા અંતર્ગત બેઠકવ્યવસ્થા, પ્રકાશ, વ્યવસ્થાપન, સ્વાગત, મંચવિધિ, સમયપાલન, ઉદઘોષણા એમ સર્વાંગ જોતાં આવનાર સૌ ‘એક આદર્શ વ્યાખ્યાનમાળા’ની વ્યાખ્યા આંખ-કાન-મનમાં સંઘરી લઇ ગયા. આ વ્યાખ્યાનમાળાને આંગણું આપી મૉડેલ સ્કુલ થરાદના આચાર્ય શ્રી કરસન પઢારએ ઉમદા સાહિત્યિક કાર્ય કર્યું; જેને પધારેલ સૌએ આવકાર્યું. વ્યાખ્યાનમાળામાં નગરપ્રસિદ્ધ ઉદ્ઘોષક અશોક દવેના સુંદર ઉદ્ઘોષણાથી સઘળું સહજ, સરસ અને સામયિક રજૂ થતું ગયું. સમગ્રતયા જોતાં, સરહદી સાહિત્ય સભાના ઉપપ્રમુખ ડૉ. શરદ ત્રિવેદીએ પોતાની વહીવટી અને સાહિત્યિક સૂઝનો ઉપયોગ કરી વ્યાખ્યાનમાળાને સફળ બનાવવા ઘટતું સઘળું કર્યું. સરહદી સાહિત્ય સભાથી સાહિત્યિક જોડાયેલા સૌ કોઈના યથાયોગ્ય પ્રયત્નોથી આ વ્યાખ્યાનમાળા ખરા અર્થમાં ‘જ્ઞાનપોષક’ રહી અને આવા સાહિત્યિક પ્રયત્નો થરાદ નગરમાં સમયાંતરે યોજાતા રહે તેવી શ્રોતાજનોની માગણીથી ભવિષ્યમાં આવી જ સાહિત્ય પ્રવૃત્તિઓના ભાગરૂપે મળવાની આશાસહ સૌ જનગણમનના રાષ્ટ્રગાન સાથે વિસર્જિત થયા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!