વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*શિક્ષિત સમાજ સાથે વિકસિત ભારતના નિર્માણમા યોગદાન આપવાની કરી હિમાયત :*
*શિક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ જતનના સંદેશ સાથે ખાસ કરીને કન્યા શિક્ષણ ઉપર ભાર મુકતા કલેક્ટરશ્રી :*
ડાંગ,તા.૨૬: શિક્ષિત સમાજના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણમા રાજ્યના દરેક પ્રજાજનોને સહભાગી થવાની અપીલ સાથે, ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાને, આહવા તાલુકાના ધવલીદોડ ગામે સરકારી માધ્યમિક શાળાના ધોરણ-૯ના ૩૪ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
શિક્ષણ, સ્વચ્છતા, અને પર્યાવરણના જતન સંવર્ધન ઉપર ભાર મુક્તા કલેક્ટરશ્રીએ ખાસ કરીને કન્યા શિક્ષણનો મહિમા વર્ણવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાને સ્વયં એક નહીં ત્રણ ત્રણ વખત UPSCની એક્ઝામ ક્લિયર કરી છે. ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સખત પરિશ્રમ કરીને યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરનો મૂક સંદેશ આપતા કલેક્ટરશ્રીએ, ગ્રામીણ વિસ્તારોમા શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ માટે પ્રયાસરત સરકારશ્રીની વિવિધ યોજનાઓના સથવારે, ઉચ્ચ કારકિર્દી તરફ સૌને આગળ વધવાની હિમાયત કરી હતી.
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આહવા તાલુકાના ધવલીદોડ ગામે આવેલી સરકારી માધ્યમિક શાળામા ૧૨ કુમાર અને ૨૨ કન્યાઓ મળી કુલ-૩૪ વિદ્યાર્થીઓને ધોરણ-૯મા પ્રવેશ કરાવી, કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ તેમને શૈક્ષણિક કિટનુ વિતરણ પણ કર્યું હતુ.
દરમિયાન કલેક્ટરશડી દુહાને ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો તથા ગ્રામજનોને સ્વચ્છતાના શપથ લેવડાવી, વન-પર્યાવરણના જતન સંવર્ધન માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. કલેક્ટરશ્રીએ શાળા પટાંગણમા વૃક્ષારોપણ પણ કર્યું હતુ.
આ અવસરે ધવલીદોડના મહિલા સરપંચ શ્રીમતી હર્ષદાબેન ગાંગોડા સહિત આહવાના મામલતદાર શ્રી યોગેશ ચૌધરી, લાયઝન અધિકારી શ્રીમતિ ધારલબેન સોલંકી, મદદનીશ શિક્ષકો સર્વશ્રી રિતેશ પટેલ અને રતિલાલ ગાવિત, SMDCના ૧૩ જેટલા સભ્યો, અને ગ્રામજનો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.