AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પાણીનો પોકાર વધતા ડુંગરાળ વિસ્તારનાં લોકો દેગડા લઈ પાણી ભરવા મજબૂર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વર્ષમાં 100 ઈંચ જેટલો વરસાદ પડે છે.પરંતુ પાણી સંગ્રહ કરવાની વિકાસકીય યોજનાઓમાં માત્રને માત્ર નર્યો ભ્રષ્ટાચાર જ થતા વરસાદી પાણી યોગ્ય રીતે સંગ્રહ થઈ શકતુ નથી.અને કરોડો રૂપિયાની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે.જેના પગલે દર વર્ષે ઉનાળાની ઋતુનાં દિવસોમાં ડાંગ જિલ્લા વાસીઓએ પાણી માટે વલખા મારવા પડતા હોય છે.ત્યારે જિલ્લામાં પાણીનાં યોગ્ય વ્યવસ્થાપનની ઉણપ હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતુ હોય તેવુ ફલિત થઈ રહ્યુ છે.ઉનાળાનાં દિવસોમાં ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક એવા આહવા ખાતે પણ પાણીની તંગી જોવા મળે છે.આહવા નગરવાસીઓ પણ ઝરણામાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે.જ્યારે અંતરીયાળ ગામડાઓની વાત કરીએ તો લોકોએ પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડે છે.ગામડાઓની મહિલાઓએ જીવનાં જોખમે દૂર સુધી જંગલમાં પાણી લેવા માટે જવુ પડતુ હોય છે.વધુમાં મહિલાઓએ ઘરે નાના બાળકો તથા વૃદ્ધોને પણ એકલા મૂકીને દૂર સુધી પાણી લેવા માટે જવું પડતુ હોય છે.તેમજ ઘણી જગ્યાએ માત્ર મહિલાઓ જ નહીં પરંતુ શાળાએ જતા બાળકોએ પણ પાણી માટે જંગલમાં અથવા નદી કિનારે આવેલ કોતરોમાં ભટકવુ પડે છે.જેથી ડાંગ જિલ્લામાં નળ સે જળ યોજના નિષ્ફળ ગઈ હોવાનું જણાઈ રહ્યુ છે. દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની તંગી ઉત્પન્ન થતી હોય છે.પીવાના પાણી માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.પરંતુ તે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ડાંગ જિલ્લા વાસીઓના નસીબમાં જ ન હોય તેવુ જણાઈ રહ્યું છે.ડાંગ જિલ્લાના કેટલાક ગામોમાં ચાર – પાંચ દિવસમાં એકવાર પાણી આપવામાં આવે છે.ત્યારે  પશુપાલન કરતા ખેડૂતોએ પશુઓને પાણી આપવું કે પોતે પાણીનો ઉપયોગ કરવો તે પ્રશ્ન બની જાય છે.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તો જિલ્લાની મુખ્ય કચેરીઓ આવેલ છે. અને ત્યાં અધિકારીઓની રોજની અવર-જવર થતી હોય છે. તેમ છતાં સ્થાનિકોના પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતુ નથી.તો પછી ગામડાઓની હાલત કેવી હશે.તેમજ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં વહીવટી તંત્રની બેદરકારી હોવાને કારણે મહિલાઓએ પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યુ છે.

આ બાબતે પાણી પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઈજનેર એચ.બી.ઢીમરનાં જણાવ્યા અનુસાર, આહવા નગરનાં સ્થાનિકો માટે નજીકનાં બે ડેમો છે.પરંતુ ચાલુ વર્ષે ઓછો વરસાદનાં પગલે આ બન્ને  ડેમોમાં પાણીના સ્તર ઘટી જવાને કારણે આ સમસ્યા ઊભી થઈ છે.જો કે તાપી જિલ્લામાંથી પાણી લાવવાની એક યોજના સાકાર થવા જઈ રહી છે. જેની અમલવારી થતા પાણીની સમસ્યાનું નિરાકરણ થશે તેમ જણાવી રહ્યા છે.જોકે હવે પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તે રીતે તાપી જિલ્લામાંથી યોજના અમલમાં આવે તો પાણીની સમસ્યાનું નિરાકરણ થાય તેમ છે. ત્યારે આ યોજના ક્યારે અમલમાં આવશે અને ક્યારે સાકાર થશે તે તો આવનાર દિવસોમાં જોવુ રહ્યુ..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!