
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ મે : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ભુજ ખાતે કાર્યરત રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ખગોળપ્રેમીઓ, વિદ્યાર્થીઓ માટે આગામી તા. ૧૯ મે અને ૨૦ મે, ૨૦૨૬ ના રોજ ‘અર્થશાઈન મૂન’ (Earthshine Moon), ગ્રહો અને રાત્રિ આકાશ દર્શન (Night Sky Observation) ના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશ દર્શનનો કાર્યક્રમ ભુજ ખાતે આવેલી ‘ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી’ માં રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાશે. આ બે દિવસ દરમિયાન મુલાકાતીઓને ‘અર્થશાઈન મૂન’ જેને ખગોળશાસ્ત્રની ભાષામાં ‘દા વિન્સી ગ્લો’ (Da Vinci Glow) તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું ટેલિસ્કોપ દ્વારા નિરીક્ષણ કરવાની રોમાંચક તક સાંપડશે. આ ઉપરાંત, નિષ્ણાંતો દ્વારા સેલેસ્ટિયલ નેવિગેશન એટલે કે આકાશી પદાર્થો દ્વારા દિશા નિર્ધારણ વિશે પણ સમજણ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા મુલાકાતીઓ માટે એન્ટ્રી અને ઓબ્ઝર્વેટરીની ટિકિટ બારી રાત્રે ૮:૦૦ કલાક સુધી જ ખુલ્લી રાખવામાં આવશે. કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે નાગરિકો સાયન્સ સેન્ટરના હેલ્પલાઈન નંબર ૭૦૪૩૯ ૨૪૬૦૫ ઉપર સંપર્ક કરી શકશે. ખગોળવિજ્ઞાન અને બ્રહ્માંડના રહસ્યોમાં રસ ધરાવતા તમામ નાગરિકો અને પ્રવાસીઓને આકાશી અજાયબી નિહાળવા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર – ભુજ ખાતે પધારવા માટે આમંત્રણ છે.




