કાલોલમાં ‘પવિત્રા ધારણ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી: મહિલા મંડળના પાઠ અને ગુરુજીના વચનામૃતથી ભક્તિમાં તરબોળ થયા વૈષ્ણવો.

તારીખ ૦૨/૦૯/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શ્રીમદ્ દ્વારકાધીશ પ્રભુ અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી મંગળવાર રોજ કાલોલના આંગણે આવેલ શ્રી દશામોઢ વણિક ની વાડી ખાતે ‘પવિત્રા ધારણ ઉત્સવ’ નું ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં બપોરે ૪:૦૦ વાગ્યે તમામ પુષ્ટિમાર્ગીય મહિલા મંડળ દ્વારા પાઠનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ જોડાઈને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.ત્યારબાદ સાંજે ૫:૦૦ વાગ્યે પ.પૂ.પા ગૌ 108 શ્રી રવીકુમારજી મહારાજ (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ , ચી.પૂ પા.ગૌ ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય (વ્રજપાલ લાલજી) અ. સૌ. વૃજાંગના વહુજી સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં પવિત્રા ધારણ ઉત્સવ યોજાયો હતો. આ શુભ પ્રસંગે કાલોલ તથા આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત સર્વ વૈષ્ણવોએ ગુરુજીને પવિત્રા ધરાવીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મહારાજશ્રીએ પોતાના મુખારવિંદથી વચનામૃતનું પાન કરાવી ઉપસ્થિત સૌ વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતા અને જીવન સફળ કરવાનો દિવ્ય લાભ આપ્યો હતો.






