આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં આયુષ્માન ભવ અભિયાનનો શુભારંભ
મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન કાર્ડનું વિતરણ તેમજ નિક્ષય મિત્ર સહયોગી સેવાભાવી અગ્રણીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન
ભારતનાં માન.રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુજીએ ગાંધીનગરનાં રાજભવનથી આયુષ્માન ભવ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો આ કાર્યક્રમના ભાગરૂપે મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત હૉલ લુણાવાડા ખાતે યોજાયો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, જિલ્લા કલેકટર ભાવિન પંડયા અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રીમતી મંજુલાબેન ખાંટ, જિલ્લા પંચાયત સદસ્ય નંદાબેન ખાંટ, આરસીએચઓ કે કે પરમાર, જિલ્લા ક્ષય અધિકારી ડીડી ચૌહાણ, સહિત તબીબો, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓની ઉપસ્થિતીમાં યોજાયો.
આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે ‘આયુષ્માન ભવ અભિયાનનું લક્ષ્ય – કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહે અને કોઈ પણ ગામને પાછળ ન છોડવું જોઈએ– જે આપણા દેશને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળ બનાવશે.’ જો દરેક વ્યક્તિ અને દરેક પરિવાર સ્વસ્થ રહેશે, તો સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ પૂર્ણ થશે. આયુષ્માન ભવ સેવા પખવાડીયા અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બર’૨૩ થી ૨ ઑક્ટોબર’૨૩ દરમ્યાન આયુષ્માન ભવ: અભિયાન, સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ, અંગદાન માટે પ્રતિજ્ઞા સહિત લોકજાગૃતિની પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવનાર છે.
વધુમાં ” અંત્યોદય ” – દરેક ગામમાં તમામ આરોગ્ય સેવાઓનું સંતૃપ્તિ અંતર્ગત આયુષ્માન આપકે દ્વાર 3.0 અંતર્ગત ૧૭- સપ્ટેમ્બર ૨૦૨૩ થી એક પણ લાયક લાભાર્થી આયુષ્માન કાર્ડ થી બાકી ન રહે તે માટે ઝુંબેશ સ્વરૂપે, આરોગ્ય જનજાગૃતિ માટે આયુષ્માન મેળો, ગ્રામ અથવા શહેરી વોર્ડ સ્તરની આયુષ્માન સભાનું આયોજન કરવામાં આવનાર છે. ગાંધીનગરનાં રાજભવનથી આયુષ્માન ભવ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ બાદ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન કાર્ડનું વિતરણ તેમજ નિક્ષય મિત્ર તરીકે સહયોગ આપનાર સેવાભાવી અગ્રણીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ.