
વિજાપુર કસ્બા ગરીબ નવાઝ મદરસા એ ગરીબ નવાઝ દ્વારા પયગંબર સાહેબની વિલાદત નિમિત્તે સ્વચ્છતા સંદેશ સાથે ઝુલુસ નીકળ્યું બેનરો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાળકો દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહમ્મદ પયગંબર સાહેબની વિલાદતની ઉજવણીના ભાગરૂપે વિજાપુર કસ્બા વિસ્તારમાં આવેલ મદરસા-એ-ગરીબ નવાજના બાળકો દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલુસમાં બાળકો સ્વચ્છતાનો સંદેશ આપતા વિવિધ બેનરો સાથે જોડાયા હતા.
ઝુલુસ દરમિયાન બાળકો દ્વારા સ્વચ્છતા અંગેના બેનરો પ્રદર્શિત કરી લોકોને પોતાના ઘર, મહોલ્લા અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી. હઝરત મુહમ્મદ પયગંબર સાહેબે આપેલા સ્વચ્છતા અને પવિત્રતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ અભિયાનને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.
વિલાદતની ઉજવણીને લઈ મુસ્લિમ સમાજના વિવિધ વિસ્તારો તેમજ મસ્જિદોને પણ રોશની અને વિવિધ પ્રકારની સજાવટથી શણગારવામાં આવી છે. આગામી દિવસોમાં વિલાદત નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાનાર હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.






