ધ્રાંગધ્રાના વસાડવામાં વ્યસન મુક્તિ સેમિનાર: 400થી વધુ વિદ્યાર્થીઓએ ડ્રગ્સ- દારૂથી દૂર રહેવાના શપથ લીધા
વિદ્યાર્થીઓ મારફતે ઘરો સુધી વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવાનો અનોખો પ્રયાસ

તા.21/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વિદ્યાર્થીઓ મારફતે ઘરો સુધી વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવાનો અનોખો પ્રયાસ, આજકાલ દેશ અને રાજ્યમાં યુવાધન જે રીતે ડ્રગ્સ અને દારૂ જેવા ભયાનક દૂષણોની નાગચૂડમાં ફસાઈ રહ્યું છે, તેને રોકવા અને યુવાનોમાં જાગૃતિ લાવવાના ભગીરથ કાર્યના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા સ્થિત શ્રીમતી એસ. એસ. સંઘવી વિદ્યાલય ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન નિવૃત્ત જેલર શ્રી એમ.એમ.દવેએ સંભાળ્યું હતું. સેમિનારની શરૂઆતમાં જ શાળાન આચાર્ય શ્રી મહેશભાઈ કળ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે શ્રી દવે દંપતીનું વિધિવત સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો હતો અને અંતમાં આભાર વિધિ પણ સંપન્ન કરી હતી. ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા આ સેમિનારમાં શાળાના આશરે ૪૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ- બહેનોએ અત્યંત ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સેમિનાર દરમિયાન યુવાનોને દેશ અને રાજ્યમાં ઝડપથી વધી રહેલા ડ્રગ્સ તથા દારૂના દૂષણના ગંભીર પરિણામો વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જાગૃતિ અભિયાન માત્ર વિદ્યાર્થીઓ પૂરતું સીમિત ન રહેતાં, જો તેમના પરિવારમાં ભાઈ, પિતા કે અન્ય કોઈ વડીલ વ્યસનના ભોગ બન્યા હોય તો વિદ્યાર્થીઓ મારફતે તેમના ઘર સુધી આ મિશનનો સંદેશ પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શ્રીમતી ભારતીબેન દવેના પ્રાર્થના ગાનથી વાતાવરણ ભક્તિમય બન્યું
કાર્યક્રમમાં એમ. એમ. દવેની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના મધુર કંઠે સુંદર પ્રાર્થનાનું ગાન કરીને સમગ્ર વાતાવરણને પવિત્ર અને પ્રેરણાદાયી બનાવી દીધું હતું. સેમિનારના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓએ એકસૂરે સમૂહમાં ડ્રગ્સ અને તમામ પ્રકારના વ્યસનોથી આજીવન દૂર રહેવાના દ્રઢ શપથ લીધા હતા.લાખો યુવાનો સુધી પહોંચવાનું લક્ષ્ય લાખો યુવાનો સુધી પહોંચવાનું લક્ષ્ય ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત જેલર એમ.એમ.દવે છેલ્લા બે વર્ષથી નિઃસ્વાર્થ ભાવે આ પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં અમદાવાદ શહેર ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના હજારો યુવાનોને વ્યસન મુક્તિ અંગે સંબોધિત કરી ચૂક્યા છે. દેશના લાખો યુવાનોને વ્યસનની નાગચૂડમાંથી મુક્ત કરાવી સાચા માર્ગે વાળવાનું તેમનું સંકલ્પબદ્ધ લક્ષ્ય છે. સંપૂર્ણ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ સહયોગથી આ સેમિનાર અત્યંત સફળ અને યાદગાર રહ્યો હતો.




