AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારાનાં મોન્સૂન ફેસ્ટિવલમાં આયોજકોની નિષ્ફળતા?વિધાર્થીઓ બોલાવવાની નોબત ઉઠી..

પેટા:-સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં કરોડોનાં ખર્ચ બાદ પણ કાર્યક્રમો ફિક્કો, દર્શકો માટે શાળાના વિદ્યાર્થીઓનો સહારો..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં કરોડોનાં ખર્ચ બાદ પણ કાર્યક્રમો ફિક્કો, દર્શકો માટે શાળાના વિદ્યાર્થીઓનો સહારો..

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 20 દિવસીય મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે.જોકે, ફેસ્ટિવલમાં આયોજકો દ્વારા ઉમદા અને આકર્ષક કાર્યક્રમોનું આયોજન કરવામાં ન આવતા સોમવારે કાર્યક્રમમાં દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી.પરિણામે કાર્યક્રમને ભરચક બતાવવા માટે સાપુતારા સહીત આસપાસની શાળાઓનાં વિદ્યાર્થીઓને બોલાવવાની નોબત આવતા સમગ્ર આયોજન સામે સવાલો ઉઠ્યા છે.મળતી માહિતી મુજબ સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.ફેસ્ટિવલ 20 દિવસ સુધી ચાલવાનો છે અને તેનો મુખ્ય હેતુ સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધારવાનો તેમજ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાનો છે.પરંતુ ફેસ્ટિવલ દરમિયાન રોજબરોજ યોજાનારા કાર્યક્રમોમાં અપેક્ષા મુજબનું વૈવિધ્ય જોવા મળતુ ન હોવાની પ્રવાસીઓમાં ચર્ચા છે.પ્રવાસીઓના જણાવ્યા મુજબ અનેક કાર્યક્રમોમાં સ્થાનિક કલા, લોકસંસ્કૃતિ અને આદિવાસી પરંપરાઓને પૂરતું સ્થાન આપવાને બદલે પશ્ચિમી સંગીત તથા ગરબાની ધૂન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરિણામે કાર્યક્રમમાં કલાકારો દ્વારા મનોરંજન કરાવવાને બદલે ઉપસ્થિત દર્શકોને જ ગરબા સહિતના કાર્યક્રમોમાં જોડવામાં આવતા હોવાની ચર્ચા છે.કરોડોના ખર્ચે યોજાતા ફેસ્ટિવલમાં કાર્યક્રમોની ગુણવત્તા અને આયોજન અંગે હવે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.ખાસ કરીને સોમવારે યોજાયેલા કાર્યક્રમમાં દર્શકોની સંખ્યા ઓછી રહેતા કાર્યક્રમને ભરચક દેખાડવા માટે શાળાના વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ઘટનાને પગલે પ્રવાસન વિભાગના આયોજન સામે પણ સવાલ ઉઠ્યા છે કે જો ફેસ્ટિવલ ખરેખર પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો હોય તો શાળાના વિદ્યાર્થીઓને બોલાવીને મેદાન ભરવાની જરૂર કેમ પડી?ગત વર્ષે ખ્યાતનામ કલાકારોથી ફેસ્ટિવલ સફળ બન્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નોટિફાઇડ એરિયા કચેરી દ્વારા આયોજિત દિવાળી ફેસ્ટિવલમાં લોકપ્રિય ગાયિકા ગીતા રબારી સહિતના ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેના કારણે ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને કાર્યક્રમો ભારે સફળ રહ્યા હતા.ત્યારે ચાલુ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં જાણીતા કલાકારો તેમજ વિવિધ પ્રકારની સાંસ્કૃતિક કૃતિઓનો અભાવ જોવા મળતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે.ખાસ કરીને સાપુતારાની આગવી આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને લોકસંગીતને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી પ્રવાસીઓની માંગ ઉઠી છે.કરોડો રૂપિયાનું આંધણ કરીને યોજાતા ફેસ્ટિવલનો મુખ્ય હેતુ માત્ર કાર્યક્રમ યોજવાનો નહીં પરંતુ સાપુતારાને પ્રવાસન નકશા પર વધુ આકર્ષક બનાવવાનો હોવો જોઈએ. ત્યારે ફેસ્ટિવલના બાકીના દિવસોમાં આયોજકો વધુ ગુણવત્તાસભર અને વૈવિધ્યસભર કાર્યક્રમો યોજી પ્રવાસીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરે છે કે કેમ તે જોવુ જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!