કાલોલમા ચૂંટણી ફરજ પર દારૂ પીને આવેલા આચાર્યની ધરપકડ,શૈક્ષણિક આલમમાં ચકચાર.

તારીખ ૨૬/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માહોલ વચ્ચે કાલોલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. શનિવારે કાલોલની એમ.એમ. ગાંધી કોલેજ ખાતે ઈવીએમ (EVM) વિતરણ દરમિયાન નશાની હાલતમાં લથડિયાં ખાતા એક પોલિંગ ઓફિસરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલોલની એમ.એમ. ગાંધી કોલેજ ખાતેથી મતદાન પ્રક્રિયા માટે ઈવીએમ મશીનો અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કોલેજની લોબીમાં એક વ્યક્તિ નશાની હાલતમાં લથડિયાં ખાતો અને બકવાટ કરતો જોવા મળ્યો હતો. ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે જ્યારે નશામાં ધૂત શખ્સની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વિવેક નટવરલાલ ઘોડ (ઉંમર ૪૦ વર્ષ) હોદ્દો: આચાર્ય, પલાસા પ્રાથમિક શાળા (છેલ્લા એક વર્ષથી ફરજરત) હાલ તેની જેતપુર-૩, મતદાન મથક-૧, પ્રાથમિક શાળા તરવડા ફળિયામાં પોલિંગ ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી.મૂળ રે .સંતરામપુર, હાલ વાઘોડિયા રોડ. વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સીધી લીટીમાં ચાલી શકતો નહોતો અને તેના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. નશો કરવા બાબતે કોઈ પણ પાસ કે પરમિટ ન હોવાથી, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ તેની અટકાયત કરી છે.નોંધપાત્ર બાબત છે કે ચૂંટણી જેવી જવાબદારીભરી પ્રક્રિયામાં એક જવાબદાર આચાર્ય કક્ષાનો અધિકારી નશો કરીને આવતા વહીવટી તંત્ર અને શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જાગી છે.







