કાલોલ તાલુકાના વાછાવાડ ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ગેરરીતિની આશંકા:ગુજરાત તકેદારી આયોગ એક્શનમાં, DDO પંચમહાલ પાસે માંગ્યો અહેવાલ.

તારીખ ૦૪/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની વાછાવાડ ગ્રામ પંચાયતમાં સરકારશ્રીના વિકાસના કામો અધૂરા અને અત્યંત હલકી ગુણવત્તાવાળા રાખવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. જ્યાં સુધી જૂના કામોની યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી પંચાયતમાં કોઈ પણ નવું કામ ન કરવા બાબતે ગુજરાત તકેદારી આયોગ (ગુજરાત વિજિલન્સ કમિશન) સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.અરજદાર વિરેન્દ્રકુમાર બુધાભાઈ પરમાર (રહે. ખેડા-વાછાવાડ, તા. કાલોલ, જિ. પંચમહાલ) દ્વારા ગત ૨૮/૦૨/૨૦૨૬ના રોજ ગુજરાત તકેદારી આયોગને એક લેખિત અરજી કરવામાં આવી હતી. જેમાં વાછાવાડ ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી હતી.આ ગંભીર રજૂઆતને પગલે ગુજરાત તકેદારી આયોગ સક્રિય થયું છે. આયોગના સેક્શન અધિકારી રાહુલ મકવાણા દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરીને આ મામલે કડક પગલાં લેવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અરજદારની રજૂઆત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ જિલ્લા પંચાયત કચેરી, ગોધરા પાસેથી આ સમગ્ર મામલાનો વિગતવાર તપાસ અહેવાલ મંગાવવામાં આવ્યો છે.હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં કેવા ખુલાસા થાય છે અને કયા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. તકેદારી આયોગના આ કડક વલણથી સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચારી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.






