કાલોલના બજારમાં મીઠાશ મોંઘી: સંગ્રહખોરીના કારણે ખાંડ ₹70 એ પહોંચી, ગોળના ભાવમાં પણ ભડકો.

તારીખ ૨૧/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી અને ઈદે-મિલાદ જેવા તહેવારો ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કાલોલના સ્થાનિક બજારોમાં ખાંડનો ભાવ કિલોએ ₹૬૫ થી ₹૭૦ સુધી પહોંચી જતાં તહેવારોની મોળાશ અનુભવાઈ રહી છે.
પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની નીતિ અને ખાંડના જથ્થાનો ઇથેનોલ બનાવવામાં મોટા પાયે ઉપયોગ થવાને કારણે બજારમાં ખાંડની અછત ઊભી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ, ભાવનગર લઠ્ઠાકાંડમાં પણ કેમિકલ મિશ્રણ સામે આવ્યા બાદ ઇથેનોલના વપરાશને લઈને ચર્ચાઓ જાગી છે. રૂપિયા ૪૫ થી ૫૦ ના ભાવે મળતી ખાંડ સીધી ₹૭૦ એ પહોંચતા સામાન્ય પરિવાર માટે તહેવારોમાં મીઠાઈ બનાવવી કડવી સાબિત થઈ રહી છે. ખાંડની સાથોસાથ ગોળના ભાવ પણ ઉંચકાયા છે. તહેવારોમાં ખાંડ કડવી લાગે તેવો ભાવ વધારો થયો હોવાનું જાણવા મળે છે.સરકારે ખાંડની નિકાસ પર રોક લગાવી હોવા છતાં, બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને મોટા નફા માટે સંગ્રહખોરી થઈ રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. તહેવારોના દિવસોમાં મોંઘવારીનો મારો ન પડે તે માટે સરકાર વહેલી તકે ભાવ પર અંકુશ મેળવે અને કાળાબજારી કરનારાઓ સામે પગલાં ભરે તેવી અપીલ પ્રજાજનો કરી રહ્યા છે.






