વેજલપુરમાં અધૂરા રોડ અને ગંદી ગટરોને કારણે કે.કે હાઈસ્કૂલ શાળા પાસે ભરાતાં વરસાદી પાણીમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર.!!

તારીખ ૦૪/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વિકાસના મસમોટા દાવાઓ કરતી કાલોલ તાલુકા પંચાયત અને વેજલપુર ગ્રામ પંચાયતની પોલ ચોમાસાના પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. લાખો રૂપિયાના ખર્ચે થતા વિકાસકામો માત્ર કાગળ પર જ ચમકતા હોય તેવો ઘાટ વેજલપુરમાં જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી શાળા પાસે ઘૂંટણ સમા ગંદા પાણી ભરાઈ જતાં નાના-નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે.અધિકારીઓની એસી કેબિન કલ્ચરની માનસિકતા અને કોન્ટ્રાક્ટરોના અણઘડ આયોજનના કારણે આજે વેજલપુરના વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.સ્થાનિકોના ઉગ્ર આક્ષેપો મુજબ, તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે સંપૂર્ણપણે બુદ્ધિ વગરનું આયોજન છે. શાળા તરફ જતી મુખ્ય સડકની ઉપરની બાજુનો રોડ બનાવીને તેને ઊંચો કરી દેવાયો, પરંતુ શાળા પાસેનો મુખ્ય ભાગ ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો હોય તેમ અધૂરો છોડી દેવામાં આવ્યો. પરિણામે, આખો રોડ ઢાળવાળો બની જતાં આજુબાજુનું તમામ વરસાદી પાણી નીચાણવાળા આ જ અધૂરા રોડ પર અને શાળાના ઝાંપા પાસે એકત્ર થઈ જાય છે. સવાલ એ થાય છે કે રોડ બનાવતી વખતે એન્જિનિયરો અને સુપરવાઈઝરો શું આંખો બંધ કરીને બેઠા હતા?ગટરોની યોગ્ય સફાઈ કે જાળવણી ક્યારેય કરવામાં જ નથી આવી. પરિણામે ગટરો ચોકઅપ છે અને વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે. આ દૂષિત પાણીના કારણે શાળાના બાળકોમાં જીવલેણ રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી સંભાવના છે, જેની જવાબદારી કોની રહેશે?જે ગ્રામ પંચાયત પોતાની નાકની નીચે આવેલી શાળાઓ પાસે પાણીના નિકાલની સાદી વ્યવસ્થા ન કરી શકતી હોય, તેના વિકાસના દાવાઓ માત્ર પોકળ અને હવામાં તીર મારવા જેવા જ ગણાય. રોડ બનાવવામાં એવી બુદ્ધિ વગરનું આયોજન કરાયું કે ઉપરનો રોડ ઊંચો કરી દીધો અને શાળા પાસેનો મુખ્ય ભાગ અધૂરો છોડી દીધો! પરિણામે આખું ગામ આ નર્કાગાર ભોગવી રહ્યું છે. લાખો રૂપિયાનું બજેટ ક્યાં વપરાયો !? શું કોઈ બાળક આ ગંદા પાણીના કારણે ગંભીર બીમારીનો ભોગ બને કે મોટી હોનારત થાય તેની રાહ જોવાઈ રહી છે? વેજલપુરની જનતાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે, જો TDO રૂબરૂ મુલાકાત લઈને આ અધૂરા રોડ અને ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે, તો કાગળ પર આંખ આડા કાન કરનારા અધિકારીઓને ગ્રાઉન્ડ પર લાવીને જનતા જ હિસાબ માગશે અને ઉગ્ર આંદોલન કરશે!







