કાલોલના ડેરોલ-સણસોલી-કલ્યાણા રોડ પરનો મેજર બ્રિજ ૩૧ ઓગસ્ટ સુધી ભારે વાહનો માટે બંધ: વૈકલ્પિક રૂટ જાહેર.

તારીખ ૦૪/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
માર્ગ અને મકાન પેટા વિભાગ, ગોધરા હસ્તક આવતા ડેરોલ-સણસોલી-કલ્યાણા રોડ પરના મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલા મેજર બ્રિજના જરૂરી રિપેરિંગ અને રીટ્રોફિટિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.વાહનચાલકોની સુરક્ષા અને બ્રિજની મરામતની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી આ બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે.જે અન્વયે ઠાસરા તરફથી આવતા વાહનો માટે, ઠાસરાથી વલાવાવ-વેજપુર થઈ વછેસરથી ટુવા – મહેલોલ – વેજલપુર થઈ કાલોલ તરફ જઈ શકાશે. તથા હાલોલ-કાલોલ તરફથી આવતા વાહનો માટે, હાલોલ-કાલોલ તરફથી આવતાં ભારે વાહનો વેજલપુર થઈ મહેલોલ થઈ વછેસર થી ટુવા થી ઉદલપુર થઈ ઠાસરા તરફ જઈ શકાશે.આ પ્રતિબંધમાંથી એસ.ટી. નિગમની મિની બસોને મુક્તિ આપવામાં આવી છે. જે મિની બસોની ઊંચાઈ ૩ મીટરથી ઓછી હશે, તે આ બ્રિજ પરથી નિયમિત રીતે અવરજવર કરી શકશે.આ હુકમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.





