Rajkot: આર.બી.એસ.કે. થકી બાળકને મળી બહુમૂલા સ્વાસ્થ્યની ભેટ તથા પરિવારને સારવારના ખર્ચમાંથી મુક્તિ
જામકંડોરણાના હરીયાસણ ગામમાં રહેતા પાંચ માસના હરમલના જીવનમાં હરખ લાવતી આર.બી.એસ.કે. ટીમ
તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સાફલ્ય ગાથા – માર્ગી મહેતા
Rajkot: ભારત સરકારે બાળકોના આરોગ્યની હંમેશાં ચિંતા કરી છે, કારણ કે બાળકો જ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. ગુજરાત સરકાર પણ બાળકોનું સ્વાસ્થ્યપ્રદ જીવન સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. દરેક બાળ તંદુરસ્ત રહે, તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ભૂમિકા મહત્વની રહી છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે. જેનો વધુ એક કિસ્સો રાજકોટ જિલ્લામાં જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના હરીયાસણ ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા જરૂરિયાતમંદ પરિવારમાં ગત તા. ૦૬ ઓકટોબર, ૨૦૨૪ના રોજ એક બાળકનો જન્મ થયો. બાળકના પિતા શ્રી કુંવરસિંહ વસુનિયાએ તેનું નામ પાડ્યું હરમલ. ગત તા. ૧૭ ઓકટોબર, ૨૦૨૪ના રોજ આર.બી.એસ.કે. (શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ની ટીમના શ્રી ડો. દાનીસ ડોડીયા અને શ્રી ડો. શીતલ સારીખડાએ હરમલનું સ્ક્રિનિંગ કરતા, તેની તૂટેલા તાળવા અને વજન ઘટવાની બીમારી ધ્યાને આવી. આ વાત જાણીને પરિવારજનો દુઃખી-દુઃખી થઈ ગયા.
આર.બી.એસ.કે. ટીમે સહાનુભૂતિપૂર્વક પરિવારને બાળકની સારવાર માટે સમજાવવાના પ્રયત્નો કર્યા. સમયસર સારવાર કરાવવામાં આવે તો અનેક બાળકોને આ પ્રકારની ખામી દૂર થઈ હોવાના સફળ દાખલાઓ પણ સંભળાવ્યા. અન્ય બાળકોની જેમ હરમલને પણ રમતો અને તંદુરસ્ત જોવાની ઈચ્છા માતા-પિતાને સ્વાભાવિકપણે હતી. પરંતુ સારવારનો ખર્ચ રૂ. એક લાખથી દોઢ લાખનો થતો હોવાથી વાલી ચિંતિત રહેતા. પરંતુ આર.બી.એસ.કે. ટીમ પાસેથી વિનામૂલ્યે સારવારની જાણકારી મળતા પરિજનોએ હળવાશ અનુભવી.
ગત તા. ૦૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ આર.બી.એસ.કે. ટીમને હરમલમાં પોષણની સ્થિતિ ગંભીર જણાઈ. તેથી, બાળકને આર.બી.એસ.કે. વ્હીકલ મારફત રાજકોટમાં D.E.I.C. (District Early Intervention Centre) ખાતે રીફર કર્યું. પરંતુ વધુ સારવારની જરૂર જણાતા ગત તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ N.I.C.U. (Neonatal Intensive Care Unit) ખાતે દાખલ કર્યું, જ્યાં ઓક્સીજન થેરાપી, આઇ.વી. એન્ટીબાયોટીક્સ, આર.ટી. ફીડીંગ સહિત સારવાર શરૂ કરવામાં આવી. ત્યારે હરમલનું વજન ૨.૩ કિલોગ્રામ હતું. સારવારના કારણે હરમલનું વજન વધ્યું અને તેની તબિયતમાં સુધારો આવ્યો. બાળકને ગત તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ એન.આર.સી. (Nutrition Rehabilitation Centre) ખાતે રીફર કર્યું, જ્યાં તેનું વજન ૦૩ કિલોગ્રામ થયું. તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ હરમલને હોસ્પિટલમાંથી રજા આપી. ગત તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ આર.બી.એસ.કે. ટીમે ઘરે જઈને ફોલોઅપ લેતા હરમલનું વજન વધીને ૩.૧૦૦ કિલોગ્રામ જણાયું.
હરમલ કુપોષણ (માલ ન્યુટ્રીશન)માંથી બહાર આવતા હાલ તેનું આરોગ્ય સારૂ છે. તેમજ બાળકની યોગ્ય ઉંમર થતા અને વજન વધતા આર.બી.એસ.કે. અંતર્ગત તૂટેલા તાળવાની સર્જરી પણ નિ:શુલ્ક કરવામાં આવશે. આમ, આર.બી.એસ.કે. ટીમ પાંચ માસનાં હરમલના જીવનમાં હરખ લાવી છે. હરમલને આરોગ્ય તપાસણી અને સારવાર થકી બહુમૂલા સ્વાસ્થ્યની ભેટ તો મળી જ છે. સાથેસાથે તેના પરિવારને પણ સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ મળી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ બાળકોની તંદુરસ્તી અર્થે આર.બી.એસ.કે. ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે.