Rajkot -: યોગા ફોર વન અર્થ, વન હેલ્થ :- ૧૧માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરાશે
તા.૧૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ૧૧માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જે અન્વયે આ વર્ષે તા. ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ સાથે જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવશે.
આ તકે કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ કાર્યક્રમ સ્થળની બેઠક વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, પરિવહન – પાર્કિંગ વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, લાઈવ પ્રસારણ અને પ્રચાર – પ્રસાર સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ વધુમાં વધુ લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી માટે યોગના મહત્વને સમજીને કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક ક્લેક્ટર શ્રી એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચક્રવર્તી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.