ગુનાખોરી પર બુલડોઝર અને પ્રજા માટે ભરોસો: સુરેન્દ્રનગર જિલ્લામાં SP પ્રેમસુખ ડેલુના સફળ એક વર્ષની વિશેષ કહાની

તા.22/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થતાં જ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું છે. આ એક વર્ષ દરમિયાન તેમણે માત્ર ગુનાખોરી પર જ લગામ નથી કસી, પરંતુ ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ ઉક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. તેમની એક વર્ષની નીડર અને પ્રજાભિમુખ કામગીરીની મુખ્ય સિદ્ધિઓ પર એક નજર કરીએ તો જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર અને સામાન્ય નાગરિકોનું શોષણ કરતા વ્યાજખોરો સામે SP પ્રેમસુખ ડેલુએ લાલ આંખ કરી હતી. વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા અરજદારોની ફરિયાદો ગંભીરતાથી લઈ કડક કાર્યવાહી કરવામાં આવી. પરિણામે ગેરકાયદેસર રીતે પડાવી લેવાયેલા લાખો રૂપિયાના સોનાના દાગીના તેમજ વાહનો મુક્ત કરાવીને મૂળ માલિકોને પરત અપાવ્યા છે, જેનાથી પીડિત પરિવારોમાં રાહતની લાગણી વ્યાપી છે. અને મૂળી અને લીંબડી વિસ્તારમાં બનેલા છેતરપિંડી અને વાહનો હડપ કરવાના કેસોમાં પોલીસે અભૂતપૂર્વ ઝડપ દાખવી છે. કરોડો રૂપિયાની કિંમતના ડમ્પર, જેસીબી અને અન્ય ભારે મશીનરી માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેના સાચા માલિકોને સોંપવામાં આવ્યા હતા. અટવાયેલી કાનૂની બાબતો અને ગુનાઓનો ઝડપી નિકાલ લાવીને તેમણે વહીવટી તંત્રની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લાનો પદભાર સંભાળતાની સાથે જ SP પ્રેમસુખ ડેલુએ સાફ સંદેશ આપ્યો હતો કે પોલીસ બેડામાં ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીં. ચાર્જ લીધાના ટૂંક જ સમયમાં નાગરિક પાસેથી નાણાંની ગેરકાયદેસર માગણી કરનાર પોલીસ કર્મચારી સામે તેમણે તાત્કાલિક અને કડક પગલાં ભરીને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કડક વલણને કારણે સમગ્ર વિભાગમાં શિસ્ત અને પારદર્શિતાનો માહોલ ઊભો થયો છે. સાઇબર ફ્રોડના પીડિતો માટે આશાનું કિરણ વધતા જતા સાઇબર ગુનાઓ સામે નાગરિકોને રક્ષણ આપવા સાઇબર ક્રાઇમ સેલને વધુ સક્રિય કરવામાં આવ્યો. સાઇબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની અરજીઓ પર ઝડપી કાનૂની કાર્યવાહી કરીને ફ્રીઝ થયેલા નાણાં લોકોને ઝડપથી પરત અપાવવામાં મોટી સફળતા મળી છે. એક વર્ષના ટૂંકા ગાળામાં પોતાની ન્યાયપ્રિયતા, કડક આયોજન અને પ્રજાભિમુખ અભિગમથી SP પ્રેમસુખ ડેલુએ ઝાલાવાડની જનતામાં સુરક્ષા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે.




