GUJARATKUTCHMUNDRA

મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે ભારે વરસાદ વચ્ચે પણ મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૨૨ જૂન : ગુજરાતમાં ચોમાસાના ભારે વરસાદી માહોલ વચ્ચે પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે યોજાયેલી ચૂંટણીમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન નોંધાયું હતું. સવારથી જ શરૂ થયેલું મતદાન સાંજે ૫ વાગ્યા સુધીમાં લગભગ ૭૦% જેટલું થયું હોવાના અહેવાલ છે.

રતાડીયા ગામના એકમાત્ર મતદાન મથકે વરસાદની પણ પરવા કર્યા વગર મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. મતદાન મથક બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ મતદાન પ્રક્રિયામાં ૧૦૦ વર્ષીય વૃદ્ધ મહિલા પાલીબેન શકુર રબારીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગામના લોકોએ ખાસ કરીને પાણી, રસ્તા અને ગટર જેવી સ્થાનિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું હતું.

આઝાદી પહેલાના સમયના ૮૭ વર્ષીય જોરાવરસિંહ રામસિંહજી જાડેજા ઉર્ફે બાલુભા તિલાટ પણ જાતે ચાલીને મતદાન કરવા પહોંચ્યા હતા અને તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

આ વખતની ચૂંટણીમાં એક રસપ્રદ ઉમેદવારી પણ જોવા મળી હતી. ગામમાં જ ઉચ્ચ અભ્યાસ કરેલી અને અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ નંબર ૩ માં તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુવાનોને ઉમેદવારી નોંધાવવાની અપીલથી પ્રેરિત થઈને ચૂંટણી લડી રહ્યા છે.

રતાડીયા ગામની હાઈસ્કૂલમાં ૪૨ વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપનાર રતનશીભાઈ કેશવજી ગોસરા નિવૃત્તિ બાદ મોરબી જિલ્લાના સાવડી ગામેથી ખાસ પોતાના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ બજાવવા માટે પહોંચ્યા હતા. તેમને કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી પુલ પાસે ઘેટાં બકરા વાળા ધણને લીધે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેઓ બે કલાક મોડા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના સેવાકાળ દરમિયાનના ચૂંટણીલક્ષી કામગીરીના અનુભવો પણ વર્ણવ્યા હતા.

સમગ્રતયા, રતાડીયા ગામે ભારે વરસાદ વચ્ચે પણ મતદારોનો લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ અને જાગૃતિ પ્રશંસનીય રહી હતી.

Back to top button
error: Content is protected !!