VALSADVALSAD CITY / TALUKO

વલસાડના પર્યાવરણ પ્રેમી યુવકો દ્વારા ૧૧ વર્ષ અગાઉ પોકેટ મનીની બચતમાંથી શરૂ થયેલુ ‘‘ચકલી બચાવો’’ અભિયાન

માત્ર ફોટો કે કાર્ટૂનમાં જોવા મળતી ચકલીઓને આવનારી પેઢી પણ જોઈ શકે એ માટે માળા, બાઉલ અને કુંડીનું નિઃશૂલ્ક વિતરણ   

—-

ઘરની આસપાસ માળા અને પાણીના પાત્ર મુકવા માટે શહેરીજનોને પણ અપીલની સાથે પર્યાવરણલક્ષી જાગૃત્તિ પણ કરાઈ  

ચકલીઘરમાં ચકલી માળો બનાવી બચ્ચાનો ઉછેર કરતી હોવાની સેલ્ફી પણ શહેરીજનો મંડળને મોકલી રહ્યા છે

—-

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૯ માર્ચ

દિન પ્રતિદિન વધતા જતા તાપમાનને પગલે પશુ પક્ષીઓની હાલત દયનીય બની રહી છે. ત્યારે આવા સમયે અબોલ જીવોને આશરો મળી રહે તે માટે વલસાડમાં ૧૧ વર્ષ અગાઉ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા જીવદયા પ્રેમી વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મનીમાંથી પૈસાની બચત કરી નાના પાયે નિઃસ્વાર્થ ભાવે શહેરીજનોને ચકલીના માળા વિતરણ કરવાની પહેલ શરૂ કરી હતી. નાના વિચારમાંથી શરૂ થયેલી તેમની આ સેવાકીય પ્રવૃત્તિની મહેક ચોમેર પ્રસરતા સેવા મિત્ર મંડળની સ્થાપના કરી અને છેલ્લા ૧૧ વર્ષથી પશુઓ માટે પીવાના પાણીની કુંડી, પક્ષીઓ માટે માળા અને બાઉલનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૪૧૦૦૦ કુંડા તથા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે.

આજે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસે પર્યાવરણપ્રેમીઓ દ્વારા ઉજવણી કરી ચકલીની પ્રજાતિને બચાવવા માટે આહવાન કરાશે. ચકલી માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પહેલાના સમયમાં ચકલી રહેણાંક મકાનમાં માળો બાંધી ઇંડા મૂકતી અને બચ્ચા ઉછેર કરતી હતી પરંતુ માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે સિમેન્ટ કોંક્રિટની છત, પ્રદુષણ, આધુનિક રહેણીકરણી અને મોબાઈલ ટાવરોના કારણે પહેલા મોટા પ્રમાણમાં દેખાતી ચકલી હવે અદ્રશ્ય થવા લાગી છે. ચકલીઓ માટે માળો બાંધવાની જગ્યા રહી નથી. ત્યારે વલસાડના યુવાનોનું ‘‘ચકલી બચાવો’’ અભિયાન ખરેખર અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે. આ ૪૦ યુવાનોએ સેવા મિત્ર મંડળ દ્વારા પહેલા કાગળના પૂઠાના માળા બનાવી વિતરણ કરતા હતા પરંતુ ચોમાસામાં આ માળા વરસાદથી ભીંજાઈને ખરાબ થઈ જતા હતા. આ સિવાય બિલાડી કે અન્ય પક્ષીઓ માળામાં ઈંડા-બચ્ચાને નુકશાન ન પહોંચાડી શકે તે માટે લાકડા-પ્લાયના મજબૂત માળા બનાવી વિતરણ કરવાનું શરૂ કર્યુ હતું.

ચકલી ખાસ કરીને ઉનાળા દરમિયાન માળા બનાવે છે અને આખું વર્ષ તેને સાચવે છે ત્યારે પક્ષી પ્રેમીઓ દ્વારા તેમના માટે ખાસ માળા, માટીમાંથી બનેલા પાણીના વાસણ જેવી વસ્તુઓ અલગ અલગ સ્થળોએ મુકે છે. સેવા મિત્ર મંડળ દ્વારા બનાવાયેલા આ માળા ચકલીઓ માટે પોતાના ઘર સમાન સુરક્ષિત સાબિત થઈ ચૂક્યા છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મંડળ દ્વારા વલસાડના તિથલ રોડ ખાતે એક જ દિવસમાં ૮૫૦૦ માળા, બાઉલ અને કુંડીનું વિતરણ કરાતા વલસાડના જીવ દયા પ્રેમીઓ સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહીને ચકલીઘર અને કુંડા લઈ ગયા હતા. આ સમયે મંડળના યુવાનો દ્વારા શહેરીજનોને પર્યાવરણલક્ષી શિક્ષણ આપતા જણાવ્યું કે, ચકલી એક વાર જે માળામાં ઈંડા મુકી બચ્ચાનો ઉછેર કરે છે તે જ જગ્યા પર ફરી ઈંડા મુકતી નથી, જેથી બચ્ચા મોટા થયા બાદ તે માળાને આખો સાફ કરી ફરી મુકવામાં આવે તો તેમાં ચકલી ફરી માળો બનાવે છે. ચકલીઓ ઘાસ અને રૂના કે અન્ય તણખલા વીણીને માળો બનાવે છે. જેથી આ માળા મકાન ઉપર, છત ઉપર અને વૃક્ષો પર પણ લટકાવી શકાય છે. શરૂઆતમાં ચકલીઓ વિશ્વાસ કરશે નહી પરંતુ ધીમે ધીમે ચકલી માળામાં આવ જાવ કરશે અને પછી કલાત્મક માળો બાંધશે. સેવા મિત્ર મંડળ દ્વારા શહેરો અને ગામડાઓમાં ઠેર ઠેર આવા ચકલીઘરો મૂકવામાં આવ્યા છે. શહેરીજનો પણ પોતાના ઘરે ચકલીઘરમાં ચકલી બચ્ચાનો ઉછેર કરી હોવાના સેલ્ફી પણ મંડળને મોકલે છે. જેથી આવા ચકલીઘરો આવા નાનકડા પક્ષીઓ માટે પોતાના ઘર સાબિત થઇ ચૂકયા છે.

ચકલીની ચી..ચી..નો અવાજ ફરી આપણી આસપાસ સાંભળવા મળે તે માટે સહિયારા પ્રયાસની જરૂર છે. નહિતર ચકલી માત્ર પાઠ્યપુસ્તક, ફોટો કે કાર્ટુન પૂરતી જ સીમિત રહી જશે. આવનારી પેઢીને વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની જાળવણી કરવાની શીખ આપવી જરૂરી છે. તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને ચકલીને બચાવવાનો પ્રયાસ કરીએ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!