કાલોલ તાલુકાના વેજલપુર ગામના બુટલેગર પ્રકાશ ઉર્ફે ભયલુ સામે પાસા હેઠળ કાર્યવાહી: જામનગર જેલ હવાલે કરાયો.

તારીખ ૨૩/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડાવાયેલા લિસ્ટેડ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે વેજલપુર પોલીસે મોટો પ્રહાર કર્યો છે. પોલીસે આ વિસ્તારના લિસ્ટેડ બુટલેગર પ્રકાશકુમાર ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલની પાસા (PASA) હેઠળ અટકાયત કરી જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેજલપુર નાયક સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય પ્રકાશકુમાર ઉર્ફે ભયલુ પટેલ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન, ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા કાંકણપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કુલ ૦૪ ગુનાઓ નોંધાયેલા હતા.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે. વહુનિયા દ્વારા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ગોધરાને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ દરખાસ્તને મંજૂરી આપી આરોપીને પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલ મોકલવાનો હુકમ કર્યો હતો.જે બાદ બાતમીના આધારે વેજલપુર પોલીસે આરોપીની અટકાયત કરી તેને જામનગર જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.






