કાલોલ રામદેવ રેસ્ટોરન્ટ ખાતે પરપ્રાંતીય કામદારની બિનનોંધણી બદલ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ.

તારીખ ૨૩/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રામદેવ રેસ્ટોરન્ટમાં બહારના રાજ્યના કામદારને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વિના રાખવા બદલ ફરિયાદ નોંધાઈ છે.
એસ.ઓ.જી. શાખા, ગોધરા પંચમહાલ ના પી.એસ.આઈ. પોલીસ સ્ટાફ સાથે કાલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે કાલોલ-ગોધરા રોડ પર આવેલ રામદેવ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન કુમ્પેશકુમાર નારાયણલાલ મેઘવાલ મૂળ રહે. મેઘવાલવાસ, ધાણા, જાલોર-રાજસ્થાન, હાલ રહે નવાપુરા સોસાયટી, કાલોલ નામનો ઈસમ કામદાર તરીકે કામ કરતો મળી આવ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટના માલિક પોકારરામ માણેકરામ મેઘવાલ મૂળ રહે. મેઘવાલવાસ, રાતડી, બાડમેર-રાજસ્થાન હાલ રહે નવાપુરા સોસાયટી, કાલોલ છેલ્લા આઠ મહિનાથી આ કામદારને માસિક રૂ. ૧૨,૦૦૦/- પગારે નોકરીએ રાખેલ છે, પરંતુ તેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધણી કરાવવામાં આવી ન હતી, તેમજ કામદારનું આધારકાર્ડ કે અન્ય કોઈ ઓળખપત્ર પણ મેળવવામાં આવ્યું ન હતું. જે બાબતે જીલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ભંગ ની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.






