તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા અગ્નિવીર આકાશસિંહનું સન્માન, સાંસદ રાજપાલસિંહ અને ધારાસભ્ય ફતેસિંહ રહ્યા ઉપસ્થિત.

તારીખ ૨૪/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વ્યાસડા ગામના ગૌરવ સમાન યુવાન આકાશસિંહ પરમાર અગ્નિવીર તરીકેની સખત તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા સમગ્ર ગામમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ , તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મહાનુભાવોએ આકાશસિંહ પરમારનું સાલ અને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, “દેશસેવા માટે પસંદગી પામી અગ્નિવીર તરીકેની જવાબદારી નિભાવવી એ સમગ્ર પરિવાર અને તાલુકા માટે ગૌરવની વાત છે. આજના યુવાનો માટે આકાશસિંહ પ્રેરણાસ્ત્રોત છે. જ્યાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ આકાશસિંહને અભિનંદન આપતા કહ્યું કે દેશની રક્ષા માટે યુવાનો આગળ આવે એ જ સાચી દેશભક્તિ છે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન “ભારત માતા કી જય” ના નારા સાથે વેજલપુર બસ સ્ટેન્ડ ઉપર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.








