સુરેન્દ્રનગર મનપા દ્વારા વઢવાણ ખાતે ૭૭મો વન મહોત્સવ ઉજવાયો: ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ અને શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન
ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ જ શ્રેષ્ઠ ઉપાય: નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.24/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ જ શ્રેષ્ઠ ઉપાય: નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના ૭૭મા વન મહોત્સવ- ૨૦૨૬ની ભવ્ય ઉજવણી વઢવાણ સ્થિત શ્રી લેઉવા પટેલ બોર્ડિંગ પરિસર ખાતે કરવામાં આવી હતી. મેયર રાકેશભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જતન અને હરિયાળા નગરના નિર્માણ માટે દ્રઢ સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા મેયર રાકેશભાઈ રાઠોડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનના ત્રીજા સંસ્કરણની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘મા’ એટલે મમતા અને બલિદાન, જ્યારે ‘વૃક્ષ’ એટલે શ્વાસ અને નિઃસ્વાર્થ પરોપકાર. આ અભિયાન માતા પ્રત્યેની લાગણીને પ્રકૃતિ સાથે જોડતી અનન્ય ભેટ છે. પોતાના સંવેદનશીલ અનુભવો શેર કરતા મેયરે જણાવ્યું કે, ૩૦ વર્ષ બાદ ગાંધીનગરની જૂની હોસ્ટેલ ખાતે વર્ષો જૂના કણજીના ઝાડને સ્પર્શતા જ ભૂતકાળની યાદો જીવંત થઈ ઉઠી હતી, જે માનવ અને વૃક્ષ વચ્ચેના ગાઢ આત્મિક સંબંધની પ્રતીતિ કરાવે છે. તેમણે જાપાનના વૈજ્ઞાનિક પ્રયોગોનો સંદર્ભ આપતા કહ્યું કે વૃક્ષો સાથે આત્મીયતા કેળવવાથી તેમનો વિકાસ ઝડપી થાય છે. “હું એક વૃક્ષ વાવીશ, તેનું જતન કરીશ અને અન્ય પાંચ નાગરિકોને પ્રેરણા આપીશ” તેવા સંકલ્પ સાથે તેમણે “વૃક્ષનું રક્ષણ કરો, વૃક્ષ આપણું રક્ષણ કરશે” નો સંદેશ આપ્યો હતો. મુખ્ય અતિથિ સ્થાનેથી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે, વર્ષ ૧૯૫૦માં કનૈયાલાલ મુનશીએ શરૂ કરેલો વન મહોત્સવ આજે ભગીરથ લોક આંદોલન બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૧ ગ્રામ્ય વિસ્તારો સહિત કુલ ૨૧૩ સ્થળોએ વન મહોત્સવનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું કે, ગ્લોબલ વોર્મિંગ અને ઊંડા જતાં વોટર લેવલ સામે રક્ષણ મેળવવા સૈયારા પુરુષાર્થથી ઘરના ફળિયા, સોસાયટીઓ અને ખેતરના સેઢે વાવેતર કરવું પડશે. ચોટીલાનું ‘ભક્તિવન’ અને દુધરેજ રોડનું ‘વટેશ્વર વન’ સુરેન્દ્રનગરનું ગૌરવ છે. તેમણે માહિતી આપી હતી કે ખેડૂતોને મફત રોપા ઉપરાંત ૩ વર્ષના જતન માટે પ્રતિ રોપા રૂ. ૧૨૦ની આર્થિક સહાય, ચાલુ વર્ષે જિલ્લાની સરકારી નર્સરીઓમાં ૨૦.૦૫ લાખથી વધુ રોપાઓનો ઉછેર, અણિન્દ્રા અને મેમકા ખાતે ‘પવિત્ર ઉપવન’ તથા ખોડું ખાતે ‘વન કવચ’ હેઠળ ૩૦,૦૦૦ રોપાઓનું વાવેતર, વઢવાણના ૭૫ ખેડૂતો દ્વારા ૧,૦૦૦ વૃક્ષો વાવવાનો સરાહનીય નિર્ણય દીપ પ્રાગટ્ય બાદ બાળાઓએ સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે લોક સાહિત્યકાર શ્રી અનુભા ગઢવીએ પોતાની શૈલીમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. નાયબ વન સંરક્ષક વિભાબેન ગોસ્વામીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જતન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. અંતમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી વૃક્ષરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ભુસડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, દંડક શ્રીમતી સ્વાતિબેન માંડલિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગૌતમભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





