કાલોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર.જિલ્લા પંચાયતની 5માંથી 5 બેઠકો ભાજપના ફાળે,તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ યથાવત.

તારીખ ૨૭/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કાલોલમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલી મતગણતરીમાં જિલ્લા પંચાયતની તમામ પાંચેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે તાલુકા પંચાયતમાં પણ ભાજપનું બોર્ડ બનવાનું નક્કી થયું છે જ્યાં જિલ્લા પંચાયતની પરિણામની વાત કરીએ તો કાલોલ જિલ્લા પંચાયતની કુલ 5 બેઠકોમાંથી કરોલી બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. બાકીની 4 બેઠકોની આજે મતગણતરી થતાં (1) બાકરોલ બેઠક પરથી મીનાક્ષીબેન વિપુલભાઈ પરમાર, (2) એરાલ મનિષાબેન જયંતીભાઈ નાયક, (3) પીંગળીથી મુકેશકુમાર કાળુસિંહ સોલંકી અને (4) વેજલપુરથી નીરજકુમાર નિકુંજભાઈ પટેલ વિજેતા બન્યા છે. આમ,જિલ્લા પંચાયતની 5માંથી 5 બેઠકો ભાજપે કબજે કરી છે જ્યારે કાલોલ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 6 બેઠકો અગાઉથી બિનહરીફ થઈ હતી. બાકીની 18 બેઠકોના પરિણામ આજે જાહેર થયા હતા. જેમાં ભાજપને 15 બેઠકો મળી છે, જ્યારે 2 બેઠકો અપક્ષ અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે ત્યારે ભાજપના ગઢ ગણાતી વેજલપુર-23 તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના કુલસુમબીબી સલીમ કઠિયાએ જીત મેળવીને ભાજપને ઝટકો આપ્યો છે. અગાઉ આ બેઠક પર અપક્ષ તરીકે સલીમ કઠિયા જીત્યા હતા, આ વખતે કોંગ્રેસે તેમના પત્નીને ટિકિટ આપતા તેઓ વિજેતા બન્યા છે જ્યારે ખડકી બેઠક પરથી અપક્ષ નિર્મલસિંહ ગોહિલ અને મલાવ બેઠક પરથી અપક્ષ રીનાબેન પટેલ વિજેતા બન્યા છે. બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે સ્થાનિક કક્ષાએ ભારે નારાજગી હોવાથી ભાજપના જ અસંતુષ્ટો અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને જીત હાંસલ કરી છે જ્યારે ભાજપના વિજેતા ઉમેદવારોમાં (1) જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ – અલાલી, (2) કિન્નાબેન જગદીશકુમાર બારીયા – અલવા, (3) અમરતબેન અજયસિંહ ચૌહાણ-બેઢીયા,(4) લીલાબેન વિક્રમસિંહ રાઠોડ-દેલોલ, (5) તેજસકુમાર અર્જુનસિંહ પરમાર -એરાલ, (6) યુવરાજસિંહ ગીરવતસિંહ જાદવ -ઘુસર, (7) ઉર્મિલાબેન વિનોદસિંહ પરમાર -સાતમણા, (8) વિરેન્દ્રસિંહ ગીરવતસિંહ પરમાર -મધવાસ, (9) કોમલબેન જયેશસિંહ પરમાર -પલાસા, (10) વિરેન્દ્રસિંહ ગબાભાઈ ચૌહાણ -કાનોડ, (11) સંતોષકુમાર વેચાતભાઈ નાયકા -પીંગળી, (12) સવિતાબેન બચુભાઈ રાઠવા -બાકરોલ, (13) સુરેશકુમાર લાલસિંહભાઈ ખડીયા – ડેરોલગામ, (14) અક્ષયકુમાર પ્રમોદરાય પંડ્યા -જંત્રાલ, (15) નયનાબેન અરવિંદસિંહ રાઠોડ -સણસોલી સાથે કુલ 24 બેઠકોમાંથી 21 બેઠકો ભાજપને મળતા આગામી પાંચ વર્ષ પુનઃ કાલોલ તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બનશે.મતગણતરી કેન્દ્ર એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિજેતા ઉમેદવારોની જાહેરાત થતાની સાથે જ ટેકેદારો અને સમર્થકોએ ફૂલહાર પહેરાવી ડીજે સાથે વિજયી સરઘસ કાઢ્યા હતા. કાલોલ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જ્યારે કાલોલ જીલ્લા પંચાયત મતદાર વિભાગના ડો.એમ.કે.ડોડીયા નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી) પંચમહાલ અને કાલોલ તાલુકા પંચાયત મતદાર વિભાગના ચુંટણી અધિકારી કાલોલ મામલતદાર વિકાસભાઇ પટેલ સાથે તાલુકા વિકાસ અધિકારી આર.પી.પ્રજાપતિ દ્વારા મતગણતરીની પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.









