
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર
વિસનગર જી.ડી હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા ધ ડાયાબેસ્ટિસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસતો વિશિષ્ટ આનંદ મેળો મધુમેલા કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી તથા મહાનુભાવો અને જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.. આ ઉપરાંત મંત્રીશ્રી તેમજ મહાનુભાવોનું સન્માન જુવેનાઈલ ડાયાબિટીસના બાળકો દ્વારા બનાવેલ હસ્તકલાથી કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ કંઈક અલગ કર્યાનો આનંદ થાય તેવો હૃદય સ્પર્શી કાર્યક્રમ છે. ડાયાબિટીસ ધરાવતા બાળકોને જુવેનાઇલ ઇન્સ્યુલિન પેન આપવાના અનોખા કાર્યની શરૂઆત મહેસાણા જિલ્લાથી થઈ છે જેને મહેસાણા જિલ્લાથી ભારત દેશ સુધી લઈ જવાનું કામ થઈ રહ્યું છે. જન્મજાત ડાયાબિટીસ ધરાવતા બાળકોનું આયુષ્ય 70 વર્ષથી વધુ થાય અને અન્ય બાળકોની જેમ ડોક્ટર, એન્જિનિયર બનવાના સપના પૂર્ણ કરે તે માટે સરકાર સતત કામ કરી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન કાર્ડના માધ્યમથી જરૂરીયાત મંદોને નિશુલ્ક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જ્યારે દેશના નાગરિક પાસે આયુષ્માન કાર્ડ હોય તો તેને પરિવારમાં આવતી નાની-મોટી આરોગ્યની મુશ્કેલી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેમને વિનામૂલ્યે આરોગ્યલક્ષી સારવાર મળી રહે
લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાયાબિટીસ ધરાવતા બાળકોને જુવેનાઇલ ઇન્સ્યુલિન પેન આપવાની આ યોજના મહેસાણાથી શરૂ થઈ આખા ભારતમાં અમલમાં મુકવાની રજૂઆત કરવાનો મને લાભ મળ્યો છે, આ એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. જે ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
રાજ્ય સભાના સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે આરોગ્ય લક્ષી સારવાર વિનામૂલ્ય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મા યોજના ચાલુ કરવામાં આવી હતી જે આજે આયુષ્માન કાર્ડ સ્વરૂપે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. ટેકનોલોજી સાથે આધુનિક ઉપકરણો હોસ્પિટલમાં મળી રહે અને લોકોના સ્વાસ્થ્ય જળવાય તે રીતે ગુજરાત સરકાર કામ કરી રહી છે.
આ તકે જન્મજાત વન ટાઈપ ડાયાબિટીસના દર્દી દર્શન મહેશભાઈ પ્રજાપતિએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મને જન્મજાત ડાયાબિટીસ છે આરબીએસકે ટીમ અને જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા મને સારવાર કરવામાં આવી આજે હું સ્વસ્થ છું મને ફ્રીમાં પેન ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે તેમજ આંખ અને લોહીના રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે જેથી હું અભ્યાસ પણ સરળતાથી કરી શકુ છું.
આ પ્રસંગે ડાયાબિટીસ વન ટાઈપના બાળકો સાથે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, ધ ડાયાબેસ્ટિસ ફાઉન્ડેશના ડાયરેક્ટર સ્મિતાબેન તેમજ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.



