CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

તરણેતર મહાદેવની જમીનનો વર્ષો જૂનો વિવાદ ઉકેલાયો: નાયબ કલેક્ટરનો ઐતિહાસિક સુધારા હુકમ

પૂજારીનું નામ દૂર કરી રેકોર્ડ પર માત્ર ‘તરણેતર મહાદેવની જગ્યા’ નોંધવા આદેશ; ટ્રસ્ટ અને ભાઈઓ વચ્ચેના હક-હિસ્સાના પ્રશ્નનો કાયમી અંત

તા.24/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પૂજારીનું નામ દૂર કરી રેકોર્ડ પર માત્ર ‘તરણેતર મહાદેવની જગ્યા’ નોંધવા આદેશ; ટ્રસ્ટ અને ભાઈઓ વચ્ચેના હક-હિસ્સાના પ્રશ્નનો કાયમી અંત, સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક તીર્થધામ તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની જમીનને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. થાનગઢ તાલુકાના મોજે તરણેતર ગામમાં આવેલી મંદિરની કરોડો રૂપિયાની જમીનના મહેસૂલી રેકોર્ડમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા એક મહત્વપૂર્ણ સુધારા હુકમ કરવામાં આવ્યો છે, જેનાથી કાયદાકીય ગૂંચ ઉકેલાઈ ગઈ છે. મહેસૂલી દફતરે મોજે તરણેતરના ખાતા નંબર ૧૪૩ હેઠળ સર્વે નંબર ૧૮, ૪૭, ૧૦૩, ૧૫૯ અને ૨૪૪ ની કુલ ૧૫-૭૮-૦૩ (હેક્ટર-આરે-ચો.મી.) જમીન આવેલી છે. આ જમીનના ૭/૧૨ ના રેકોર્ડમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી તરીકે ‘છગનગરી કલ્યાણગરી’નું નામ નોંધાયેલું હતું. આ નામનો લાભ ઉઠાવી છગનગરી અને તેમના વારસદારો સદર જમીનમાં અન્ય ભાઈઓને તેમનો યોગ્ય હિસ્સો આપતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અંગે મંદિરના હિત અને અન્ય વારસદારોના હક માટે અરજદાર હેમંતગીરી કલ્યાણગીરી ગૌસ્વામી દ્વારા ગત તા. ૨૫/૦૫/૨૦૨૬ ના રોજ નાયબ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અરજદારની રજૂઆત બાદ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા મહેસૂલ વિભાગના વિવિધ ઠરાવો અને કાયદાકીય જોગવાઈઓની ઊંડાણ પૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં એસ-૩૦-૨૨૦૭-૩૩૪૭-ઝ તા:૦૯/૦૪/૨૦૧૦ (૨) ચેરીટી કમિશનરના તા ૧૨/૦૭/૨૦૧૯ ના પત્ર નં.જાવક નં.૧૧૨૦૫/૧૯ (૩) જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ તથા જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ ની વિવિધ જોગવાઇઓ આ તમામ કાયદાકીય પુરાવાઓ અને સરકારી ઠરાવોને ધ્યાને રાખીને સામે આવ્યું કે, આ જમીન કોઈ વ્યક્તિગત માલિકીની નથી પરંતુ સ્વયં મહાદેવજીના સ્થાનકની છે. પૂજારીનું નામ દૂર કરાયું તમામ પક્ષો અને સરકારી જોગવાઈઓને આધીન રહીને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ આખરી હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદા અનુસાર ખાતા નંબર ૧૪૩ ની તમામ જમીનમાંથી પૂજારીનું નામ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું છે અને ૭/૧૨ ના રેકોર્ડમાં માત્ર “તરણેતર મહાદેવની જગ્યા” નામ દાખલ કરવાનો સ્પષ્ટ સુધારા હુકમ કરવામાં આવ્યો છે. નાયબ કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી મંદિરની મિલકત સુરક્ષિત થઈ છે અને વર્ષોથી ચાલતા કૌટુંબિક તથા મહેસૂલી વિવાદોનો કાયમી ધોરણે નિકાલ આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!