1.70 કરોડ રૂ.ના ચેક રિટર્નના ચાર કેસમા ભાગીદારી પેઢી અને બે ભાગીદારો ને હાલોલ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા.
તારીખ ૧૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ તાલુકાના કંજરી ગામની સર્વે નંબર ૨૦૩૩ વાળી જમીન વૈશાલીબેન જીગ્નેશભાઈ શાહ પાસેથી સહકાર ઇન્ફ્રા નામની ભાગીદારી પેઢી અને તેના બે ભાગીદારો પ્રહલાદભાઈ જસરાજભાઈ પટેલ તેમજ વેણીલાલ તુલસીદાસ પટેલ રે વડોદરાનાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી કિંમત ૩,૬૦,૦૦,૦૦૦/ નક્કી કરી હતી અને તે પેટે રૂ ૨૦ લાખ ચૂકવી આપ્યા હતા તેમજ બાકીની રકમના પોસ્ટ ડેટેડ ચેકો ફરિયાદીને લખી આપ્યા હતા. તે પૈકીના તારીખ ૧૦/૦૨/૨૦૨૨ ના રોજ નો ૪૭૦૮૪૮ નંબર નો રૂ ૪૦ લાખનો તથા તા.૧૦/૦૩/૨૦૨૨ ના રોજ નો ૪૭૦૮૪૯ નંબર નો રૂ ૪૦ લાખનો તથા તા ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ નો ૪૭૦૮૫૦ નંબર નો રૂ ૪૫ લાખ તથા તા ૧૦/૦૫/૨૦૨૨ ના રોજ નો ૪૭૦૮૫૧ નંબર નો રૂ ૪૫ લાખનો એવા ચાર ચેક ફરિયાદીને આવ્યા હતા જે તમામ ચેકો ફરિયાદીએ પોતાની બેંકમાં સમયાંતરે જમા કરાવતા ક્રમશઃ અપૂરતા ભંડોળના કારણે પરત આવેલ જે બાદ ક્રમશઃ નોટિસ આપી હાલોલ ના એડી.ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાર અલગ અલગ ક્રિમિનલ કેસો દાખલ કરેલ હતા. જે કેસમાં આરોપી તરફ એડવોકેટ જે.બી જોશી અને વ્રજપાલ ગોહિલ હાજર રહ્યા હતા. જેઓએ તા ૨૧/૦૮/૨૧ ના રોજ વેચાણ દસ્તાવેજ થયો હતો તે જ દિવસે ફરિયાદી અને આરોપી વચ્ચે નોટરી રૂબરૂ સમજુતી કરાર પણ કરવામાં આવેલો તેવી હકીકત પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજુ કરેલી. વધુમા સર્વે નંબર ૨૦૩૦ ની જમીન ના ૭/૧૨, તા ૨૯/૧૧/૨૦૨૧ ના રોજ કલેક્ટર કચેરી દ્વારા આપેલ મનાઈ હુકમ ની નકલ, રે.મુ. નં ૨૪/૨૦૨૦ ના હુકમની નકલ, મહેસૂલ સચિવને કરેલ રિવિઝન અરજી ની નકલ, સ્પે.શૂટ નં ૫/૨૦૨૧ ની નકલ, આરટીએસ અપીલ નં ૧૬/૨૧ ના હુકમ ની નકલ પણ રજુ કરી હતી. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે થયેલ કરાર અંતર્ગત સવાલ વાળી જમીનના ફરિયાદી માલિક બનેલા છે પરંતુ તેનો અવેજ તેઓએ જમીનના મૂળ માલિકને ચૂકવી આપ્યો નથી અને મૂળ માલિકે વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે દાવો પણ કરેલ છે. વધુમા જીલ્લા કલેક્ટર દ્વારા મનાઈહુકમ આપેલ હોવાની વાતનો ફરિયાદીએ ઉલટ તપાસમાં સ્વીકાર કર્યો છે તથા રજી.વેચાણ દસ્તાવેજને આધારે પડેલી નોંધ નામંજૂર થઈ હોવાનું અને આ આધારે ૭/૧૨ માંથી આરોપીઓનું નામ નીકળી ગયું હોવાની હકીકત ફરિયાદીએ ઉલટ તપાસમાં સ્વીકારેલ છે.તેમજ રેવન્યુ વિભાગમાં પણ લીટીગેશન ઉભા થયેલ છે. વધુમાં ફરિયાદીએ ટાઇટલ ક્લિયર થયા બાદ જ પોસ્ટ ડેટેડ ચેક બેંકમાં ભરવાના હતા અને મિલકત તબદીલી બાબતે કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપવામાં આવે તો તે સંજોગોમાં અવેજના હપ્તા ની ચૂકવણી મોકુફ રાખવા આરોપીઓ હકદાર રહેશે તેવી સ્પષ્ટ સમજૂતી કરારમાં શરત કરેલી છે.અને ટાઈટલ ક્લિયર કરવાનો બોજો ફરિયાદી ઉપર હતો.જેથી જમીનનું વેચાણ થયું તેવું કહી શકાય નહીં અને જ્યાં સુધી જમીનનું વેચાણ થયું છે તેવું પુરવાર ન થાય ત્યાં સુધી ફરિયાદી વળતર મેળવવા હકદાર થઈ શકે નહીં. તેવી દલીલો આરોપી એડવોકેટ જે.બી જોશી દ્વારા કરી એપેક્સ કોર્ટોના જુદા જુદા ચુકાદાઓ રજૂ કરતા વધુમા નામ.સુપ્રીમ કોર્ટ ના ચેંગાલવાર્યા નાયડુ વી.જગન્નાથ ૧૯૯૩ (૦) એસ સી ૨૪૬૭૯ નો ચુકાદો રજુ કરેલ જેમા નામદાર કોર્ટે “પક્ષકારે કોર્ટ સમક્ષ ચોખ્ખા હાથે આવવું જોઈએ અને કોર્ટ પ્રોસેસનો દુરુપયોગ થવો જોઈએ નહીં અને ખોટા કેસોને ફગાવી દેવા જોઈએ” જે તમામ હકીકતો અને પડેલા પુરાવા ધ્યાને લઈને હાલોલના એડી. ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ સી.જે પટેલ દ્વારા ફરિયાદી પોતાના કેસો નિઃશંકપણે પુરવાર કરી શક્યા ન હોવાથી ભાગીદારી પેઢી સહિત બંને ભાગીદારોને ચારેવ કેસ માં તા ૧૧/૦૩/૨૫ ના રોજ નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રૂ.૩૦ લાખના ચેક રીટર્ન ના આજ ફરિયાદી ના કેસમાં હાલના આરોપીઓને હાલોલ ના જયુ મેજિસ્ટ્રેટ ફ.ક દ્વારા નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવ્યા હતા.